Mon Apr 20 2026

Logo

પીએમ મોદીએ મમતા સરકારને આડે હાથે લીધી, કહ્યું ટીએમસીના શાસને રાજ્યને પછાત રાખ્યું

3 hours ago
Author: Chandrakant Kanoja
Article Image

મેદિનીપુર: પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પગલે રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં આજે પીએમ મોદીએ મેદિનીપુરમાં એક રેલીમાં મમતા સરકારને  આડે હાથે લીધી હતી. તેમણે કહ્યું કે બંગાળમાં ટીએમસીની ક્રૂરતાને 15 વર્ષ થયા છે. જેના લીધે રાજ્ય આજે પણ અનેક ક્ષેત્રોમાં પછાત રહ્યું છે. 

ભારત 3G થી 5G સુધી આગળ વધ્યું 

પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં ટીએમસીની ક્રૂરતાને 15 વર્ષ થયા  છે. આ 15 વર્ષોમાં આપણું ભારત 3G થી 5G સુધી આગળ વધ્યું છે.ઘણા રાજ્યોમાં નવા શહેરો ઉભરી આવ્યા છે. મેટ્રો નેટવર્ક દેશના બે ડઝનથી વધુ શહેરો સુધી પહોંચી ગયું છે અને ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ત્રિરંગો લહેરાવ્યો છે. તેમ છતા  ટીએમસીના ક્રૂર શાસનમાં 15 વર્ષ પહેલા પહેલા ધોરણમાં ભણતો બાળક આજે રોજગારની શોધમાં દેશના અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવાની તૈયારી કરી રહ્યો છે.

ટીએમસીએ લૂંટની કળામાં પીએચડી કરી લીધી

પીએમ મોદીએ જણાવ્યું કે,  ટીએમસીની નિર્મમ  સરકારના શાસનમાં  યુવાનોની ભરતીમાં લૂંટ, શાળાના શિક્ષકોની ભરતીમાં લૂંટ, બાળકોના મધ્યાહન ભોજનમાં લૂંટ, મનરેગાના કાર્યોમાં લૂંટ, ગરીબો માટે રહેઠાણ માટેના ભંડોળની લૂંટ અને ચક્રવાત રાહત માટે મળેલા નાણાંની લૂંટ ચલાવી છે. ટીએમસીએ છેલ્લા 15 વર્ષોમાં વ્યવહારીક રીતે લૂંટની કળામાં પીએચડી કરી લીધી છે. 

બંગાળના લોકો પોતે આ ચૂંટણી લડી રહ્યા છે

તેમણે ઉમેર્યું,  ટીએમસીના 15 વર્ષના  મહાજંગલ રાજ  દરમિયાન રમખાણો અને રાજકીય હત્યાઓ વધી  છે. તેમજ  ઘુસણખોરોની હિંમત ખૂબ  વધી છે અને આપણી બહેનો અને પુત્રીઓ પર થયેલા અત્યાચારો બધી હદો વટાવી ગયા છે. ટીએમસીના શાસનમાં મા, માટી અને માનુષ  કોઇ સુરક્ષિત નથી. આ વખતે બંગાળના લોકો પોતે આ ચૂંટણી લડી રહ્યા છે.