રેલવેના મિસમેનેજમેન્ટને કારણે મુસાફરોમાં ભારે રોષ
મુંબઈઃ ભારતીય રેલવે રોજના હજારો લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો દોડાવે છે, પરંતુ ટ્રેન મોડી પડી જાય એ તો સામાન્ય સમજાય એવી વાત છે, પરંતુ નિર્ધારિત સમય પહેલા ટ્રેન ઉપડી જાય તો પ્રવાસીઓની કફોડી હાલત થાય છે અને તાજેતરમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જ્યાં ટ્રેન વહેલી ઉપડી જતા અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. મુંબઈથી કચ્છ જનારી ટ્રેનમાં આ બનાવ બન્યો હોવાનું પ્રવાસીએ જણાવ્યું હતું.
૧૭ એપ્રિલના રોજ દાદરથી ભુજ જતી ટ્રેન સયાજીનગરી એક્સપ્રેસ તેના નિયમિત સમય કરતા ૪૫ મિનિટ મોડી એટલે કે બપોરે ૪ વાગ્યે ઉપડશે, તેવો સત્તાવાર મેસેજ રેલવે દ્વારા મુસાફરોને બે દિવસ પહેલા જ મોકલવામાં આવ્યો હતો. આ સૂચના મુજબ મુસાફરો બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પશ્ચિમ રેલવેના દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૭ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતા જ મુસાફરોને મોટો આંચકો લાગ્યો હતો, કારણ કે ૪ વાગ્યે ઉપડનારી ટ્રેન બપોરે ૩ વાગે જ પ્લેટફોર્મ પરથી અડધી આગળ નીકળી ગઈ હતી.
ટ્રેન (નંબર ૨૦૯૦૭) ઉપડી ગઈ હોવાનું ધ્યાને આવતા જ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. ટ્રેનના આગળના ડબ્બા પ્લેટફોર્મ છોડીને આગળ નીકળી ગયા હતા, જ્યારે પાછળના માત્ર થોડા જ ડબ્બા પ્લેટફોર્મ પર બાકી હતા. પોતાના રિઝર્વેશનવાળા ડબ્બા સુધી પહોંચવું અશક્ય હોવાથી, જે ડબ્બો મળે તેમાં ચડવા માટે મુસાફરોએ સામાન સાથે જીવના જોખમે દોડધામ કરવી પડી હતી.
'અમે બદલાપુરથી લોકલ દ્વારા ગાડી પકડવા માટે દાદર સ્ટેશન પહોંચ્યા, ત્યારે ત્યાં એક પણ ગાડી પ્લેટફોર્મ પર આખી ઊભી નહોતી. એક ટ્રેન અડધી પ્લેટફોર્મની બહાર જતી દેખાઈ પછી તે ઊભી રહી હતી, એવી માહિતી અનિલ થાટેએ આપી હતી.
ટ્રેનમાં ચડ્યા પછી જ્યારે મુસાફરોએ ટિકિટ ઇન્સ્પેક્ટર અને ગાર્ડને પૂછપરછ કરી ત્યારે રેલવે કર્મચારીઓએ એવો ચોંકાવનારો જવાબ આપ્યો કે, "અમને ટ્રેન ૪ વાગ્યે ઉપડવાની કોઈ જાણકારી નહોતી. અમને ૩ વાગ્યે જ સિગ્નલ મળી ગયું હતું, તેથી અમે ટ્રેન રવાના કરી દીધી," એવું અનિલ થાટેએ જણાવ્યું હતું.
ગુસ્સે ભરાયેલા મુસાફરોએ રેલવે પ્રશાસન પર સવાલો ઉઠાવ્યા હતા. જો મુસાફરોને સાંજે ૪ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, તો મોટરમેન અને ગાર્ડને તેની જાણ કેમ ન કરવામાં આવી? બદલાયેલા સમયની જાણ સિગ્નલ સિસ્ટમને કેમ ન કરવામાં આવી?
ટ્રેન સમય કરતાં વહેલા ઉપડતી વખતે પ્લેટફોર્મ પર કોઈ જાહેરાત કેમ ન કરવામાં આવી? રેલવે વહીવટીતંત્રના આ અસંકલિત સંચાલનને કારણે જો કોઈ મુસાફરનો જીવ જાય, તો તેના માટે જવાબદાર કોણ? તેવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે. મુસાફરો આ સમગ્ર મામલાની તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.