લંડનઃ રશિયાના 30 વર્ષીય ટેનિસ સ્ટાર અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ડેનિલ મેડવેડેવે (Medvedev) ગયા અઠવાડિયે મૉન્ટે કાર્લો (Monte Carlo) માસ્ટર્સ ટૂર્નામેન્ટ દરમ્યાન એક મૅચમાં ગુસ્સામાં સાત વખત રૅકેટ પછાડ્યું અને તોડી નાખ્યું એ બદલ (આ ગેરવર્તન બદલ) તેને 7,000 ડૉલર (અંદાજે સાડાછ લાખ રૂપિયા)નો દંડ કરાયો છે.
ઇટલીના મૅટીયો બેરેટિનિ સામેની મૅચમાં મેડવેડેવ 0-6, 0-6થી હારી ગયો હતો. તેણે ક્રોધમાં રૅકેટ વારંવાર પછાડ્યું હતું. હાલમાં મેડવેડેવની 10મી રૅન્ક છે.
નવાઈની વાત એ છે કે મેડવેડેવ આ ટૂર્નામેન્ટમાં રમીને દંડ કરતાં સાતગણી રકમ (આશરે 47 લાખ રૂપિયા) કમાયો હતો. ગયા વર્ષે મેડવેડેવે ઑસ્ટ્રેલિયન ઓપન અને યુએસ ઓપનમાં બૂમબરાડા પાડ્યા હતા જેને પગલે તેને અનુક્રમે 76,000 ડૉલર અને 42,000 ડૉલરનો જે દંડ કર્યો હતો એની તુલનામાં તેને મૉન્ટે કાર્લો ટૂર્નામેન્ટના ગેરવર્તન બદલ જે પેનલ્ટી કરાઈ છે એ ઘણી ઓછી છે.
મેડવેડેવ 2021માં યુએસ ઓપનનો તાજ જીત્યો હતો. તે 12 વર્ષની કરીઅરમાં માત્ર આ એક ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી શક્યો છે.