Fri Apr 17 2026

Logo

કંગના રનૌતે ચિરાગ પાસવાન સાથે રોમેન્સના સવાલ પર આપ્યો એવો જવાબ કે સાંભળીને દંગ રહી જશો...

22 hours ago
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડ એક્ટ્રેસ અને કંગના રનૌત અને કેન્દ્રિય પ્રધાન તેમ જ લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાનની કેમેસ્ટ્રી ફરી એકવાર ટોક ઓફ ધ ટાઉન બની છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન કંગનાએ ચિરાગ પાસવાન સાથેના તેના સંબંધો અને જૂની યાદો વિશે ખુલીને વાત કરી હતી, જેના વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ કંગનાએ શું કહ્યું છે તેના અને ચિરાગના સંબંધ વિશે... 

કંગના રનૌતે ચિરાગ પાસવાન સાથેના તેના સંબંધોને લઈને ફેલાયેલી અફવાઓ પર વિરામ મૂકતા ખૂબ જ રમૂજી અને સ્પષ્ટ અંદાજમાં જવાબ આપ્યો છે. કંગના રનૌત અને ચિરાગ પાસવાન બંનેએ 2011ની સાલમાં આવેલી ફિલ્મ 'મિલે ના મિલે હમ'માં સાથે કામ કર્યું હતું અને આ જ કારણે બંને વચ્ચે સારી મિત્રતા પણ છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં વીડિયો અને ફોટોને જોતા લોકો આ બંનેની મિત્રતાને રોમેન્સનો એંગલ આપી રહ્યા છે. 

કંગના રનૌતે પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે હું અને ચિરાગ ખૂબ જ જૂના અને સારા મિત્રો છીએ. અમે બંનેએ પોતાની પહેલી અને એકમાત્ર ફિલ્મ સાથે કરી હતી. કંગનાએ હસતા હસતા જણાવ્યું હતું કે જો અમારી વચ્ચે કોઈ રોમેન્સનો એંગલ હોત, તો અત્યાર સુધીમાં તો અમારા બાળકો થઈ ગયા હોય અને એ બાળકો શાળાએ પણ જતાં થઈ ગયા હોત. 

તાજેતરમાં બંને સંસદની બહાર એકબીજાને મળતા અને ગળે લગાવતા જોવા મળ્યા હતા. તેમની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, ત્યારબાદ જૂના 'રોમેન્સ'ની ચર્ચાઓ ફરી શરૂ થઈ હતી. કંગના રનૌતે ચિરાગ પાસવાનની પ્રશંસા કરી હતી અને તેને પોતાનો એક સારો મિત્ર ગણાવ્યો હતો. આ સાથે કંગનાએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે તેઓ બંને હવે રાજકારણના ક્ષેત્રમાં પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે અને તેમની વચ્ચે રોમેન્સનો કોઈ એંગલ છે જ નહીં. 

અત્રે ઉલ્લેખનીય છે કે 2011માં આવેલી ફિલ્મ 'મિલે ના મિલે હમ'માં ચિરાગ પાસવાને અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું અને આ ફિલ્મમાં કંગના તેની લીડિંગ લેડી જોવા મળી હતી. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર પટકાઈ જતાં ચિરાગ પાસવાને એક્ટિંગને અલવિદા કહીને રાજકારણમાં પોતાની કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું હતું.