નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ સપાટી પર આવતાં રોકાણકારોએ સલામતી માટે સોનામાં ખરીદીનો વિકલ્પ પસંદ કર્યો હોવાથી ગત માર્ચ મહિનાના અંતના ત્રિમાસિકગાળામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ માર્ચ, 2025ની તુલનામાં છ ગણો વધીને 31,561 કરોડની સપાટીએ રહ્યો હતો, જ્યારે ત્રિમાસિક ધોરણે રોકાણનો આંતરપ્રવાહ 36 ટકા વધીને રૂ. 23,132 કરોડના સ્તરે રહ્યો હતો. વધુમાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હેઠળની અસ્ક્યામતો તેમ જ રોકાણકારોના ખાતાઓમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ગત માર્ચ મહિનામાં આ કેટેગરીમાં ચોખ્ખો આંતરપ્રવાહ રૂ. 2266 કરોડનો રહ્યો હતો. જોકે, તે આગલા જાન્યુઆરી મહિનાના રૂ. 24,040 કરોડ અને ફેબ્રુઆરીનાં રૂ. 5255 કરોડની સરખામણીમાં ઓછો છે.
એકંદરે ગત માર્ચ અંતના ત્રિમાસિકગાળામાં કુલ આંતરપ્રવાહ તેના આગલા ત્રિમાસિકગાળાના રૂ. 5654 કરોડ સામે તીવ્ર ઉછાળો દર્શાવે છે, એમ એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. એકંદરે સોનાને લગતાં પ્રોડક્ટ્સમાં રોકાણકારોના આકર્ષણને ટેકે મક્કમ આંતરપ્રવાહ જળવાઈ રહ્યો છે. તેમ છતાં માર્ચ મહિનામાં આંતરપ્રવાહ સાધારણ મંદ પડવાનું કારણ વર્ષના આરંભમાં મજબૂત પ્રવાહ અને નવી ફાળવણીઓ ધીમી પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.ગત જાન્યુઆરી મહિનામાં ખાસ કરીને વૈશ્વિક જોખમી પરિબળો, પોર્ટફોલિયો રિબેલેન્સિંગ અને સોનાના ભાવમાં તેજીનું વલણ જેવા કારણોસર આંતરપ્રવાહમાં અસામાન્ય વૃદ્ધિ રહી હતી. તેમ જ માર્ચ મહિનામાં પણ જોવા મળેલો સકારાત્મક આંતરપ્રવાહ દર્શાવે છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને બજારોમાં વધેલી ચંચળતાને કારણે રોકાણકારો રોકાણ વિકેન્દ્રીત કરી રહ્યા છે, એમ મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઈન્ડિયાનાં વરિષ્ઠ વિશ્લષકે જણાવ્યું હતું.
સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં મજબૂત આંતરપ્રવાહ રહેતાં ગત માર્ચ મહિનાના અંતે સોનાની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ માર્ચ, 2025ના અંતના રૂ. 58,888 કરોડ સામે ત્રણ ગણી વધીને રૂ. 1.71 લાખ કરોડની સપાટીએ રહી હોવાનું એમ્ફીએ આંકડાકીય માહિતીમાં જણાવતા ઉમેર્યું હતું કે ગત માર્ચના અંતે સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં ફોલિયોની સંખ્યા 54.28 લાખથી વધીને 1.24 કરોડના સ્તરે પહોંચી હતા, જે ગત માર્ચ, 2025ના અંતે 69.69 લાખની સપાટીએ હતી.