Fri Apr 17 2026

Logo

માર્ચમાં ખાદ્યતેલની આયાત 12 ટકા વધીને 11.73 લાખ ટન

2 days ago
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ ગત માર્ચ મહિનામાં ખાસ કરીને ક્રૂડ પામતેલના શિપમેન્ટમાં વધારો થવાથી કુલ ખાદ્યતેલની આયાત માર્ચ, 2025ની સરખામણીમાં 12 ટકા વધીને 11.73 લાખ ટનની સપાટીએ રહી હતી. જોકે, હાલમાં પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી ભૂરાજકીય કટોકટીને ધ્યાનમાં લેતા વૈશ્વિક સ્તરે ઊંચા ભાવ અને નૂર ભાડા વધી આવ્યા હોવાથી આગામી સમયગાળામાં આયાત ઓછી થવાની શક્યતા સ્થાનિક ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને એક યાદીમાં વ્યક્ત કરી છે. 

એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત માર્ચ મહિનામાં દેશમાં ખાદ્યતેલની આયાત માર્ચ, 2025ના 10,45,281 ટન સામે 11,73,168 ટનની સપાટીએ રહી હતી, જેમાં મુખ્યત્વે ક્રૂડ પામતેલની આયાત માર્ચ, 2025ના 3,43,949 ટન સામે વધીને 6,73,965 ટનના સ્તરે રહી હતી. જોકે, ગત માર્ચ મહિનામાં અખાદ્યતેલની આયાત માર્ચ, 2025ના 27,742 ટન સામે ઘટીને 13,401 ટનના સ્તરે રહી હતી, જ્યારે કુલ વનસ્પતિ તેલની અથવા તો ખાદ્ય અને અખાદ્યતેલની આયાત 11 ટકા વધીને 11,86,569 ટન (10,73,023 ટન)ના સ્તરે રહી હતી. સામાન્યપણે દેશમાં ખાદ્યતેલની કુલ માગ પૈકી 50 ટકા માગ આયાતથી સંતોષાય છે, જેમાં મલયેશિયા અને ઈન્ડોનેશિયાથી પામતેલની આયાત થાય છે, જ્યારે સોયાબીન તેલની આયાત આર્જેન્ટિના અને બ્રાઝિલથી થાય છે.  

વધુમાં એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત નવેમ્બરથી શરૂ થયેલી વર્તમાન તેલમોસમ 2025-26નાં પહેલા પાંચ મહિનામાં કુલ વનસ્પતિ તેલની આયાત ગત મોસમના સમાનગાળાના 60,96,923 ટન સામે આઠ ટકા વધીને 65,72,131 ટનની સપાટીએ રહી હતી. જોકે, હાલમાં પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા ભૂરાજકીય તણાવને કારણે ભાવ ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા છે અને જ્યાં સુધી ભાવમાં ઘટાડો ન આવે અને ચલણની સ્થિતિ ન સુધરે ત્યાં સુધી આયાત દબાણ હેઠળ રહે તેવી શક્યતા એસોસિયેશને વ્યક્ત કરી હતી. 

એસોસિયેશનના મતાનુસાર લાંબાગાળે ભારત ભૂરાજકીય જોખમોને ધ્યાનમાં લેતા સ્રોત વિકેન્દ્રિકરણ અને સ્થાનિકમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારીને આયાતનું સમતુલન કરશે. એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત માર્ચ મહિનામાં ખાદ્યતેલની આયાત આગલા અથવા તો ફેબ્રુઆરી મહિનાના 12.92 લાખ ટન સામે 10 ટકા ઘટીને 11.73 લાખ ટનના સ્તરે રહી હતી. આમ માસાનુમાસ ધોરણે આયાતમાં જોવા મળેલો ઘટાડો મુખ્યત્વે વૈશ્વિક સ્તરે ઊંચા ભાવ અને ડૉલર સામે રૂપિયામાં ધોવાણ થવાથી આયાત પડતરમાં વધારો અને સ્થાનિકમાં ખાસ કરીને સરસવનો પાક આવતાં પર્યાપ્ત ઉપલબ્ધિ હોવાનું યાદીમાં ઉમેર્યું હતું. 

ગત ડિસેમ્બર, 2025થી ફેબ્રુઆરી, 2026 દરમિયાન ખાસ કરીને રશિયા-યુક્રેન વચ્ચેના તણાવને કારણે સનફ્લાવર તેલના વૈશ્વિક પુરવઠામાં વિક્ષેપની ચિંતા વચ્ચે આયાતાકારો દ્વારા થયેલા ફ્રન્ટ લોડિંગનો નિર્દેશ આપે છે. વધુમાં પશ્ચિમ એશિયાના હાલના ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલના ભાવ વધી આવવાથી બાયોફ્યુઅલ માટેની અપેક્ષિત માગ વૃદ્ધિને કારણે પણ અત્યારે ભાવસપાટી ઊંચી હોવાથી ભારતીય રિફાઈનરોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.