Fri Apr 17 2026

Logo

ક્રૂડ તેલના ભાવ 130 ડોલરે પહોંચશે તો ભારતનો વૃદ્ધિ દર 0.80% ઘટશે: વૈશ્વિક એજન્સીની ચોંકાવનારી ચેતવણી

2 days ago
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ભારતના બૃહદ આર્થિક અને નાણાકીય ક્ષેત્રના મજબૂત પરિબળોને કારણે તેલના વધેલા ભાવના આંચકા સામે અમુક અંશે ટેકો મળશે, તેમ છતાં જો વર્ષ 2026 દરમિયાન ક્રૂડતેલના સરેરાશ ભાવ બેરલદીઠ 130 ડૉલર આસપાસ રહે તો આર્થિક વૃદ્ધિદરમાં 80 બેસિસ પૉઈન્ટનો ઘટાડો આવે તેવી શક્યતા ઍસ ઍન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે વ્યક્ત કરી છે. 

હાલના દબાણ હેઠળના સિનારિયાને ધ્યાનમાં લેતાં નાણાકીય વર્ષ 2027માં કોર્પોરેટ કંપનીઓની વ્યાજ, વેરા, ઘસારા અને એમોર્ટાઈઝેશન પહેલાની (ઈબીઆઈટીડીએ) આવકો 15થી 25 ટકા ઘટી શકે છે, જ્યારે બૅન્કિંગ ક્ષેત્રની અસ્ક્યામતોની ગુણવત્તા નબળી પડતાં બેડ લોન 3.5 ટકા આસપાસ રહેશે. 

મધ્યપૂર્વના યુદ્ધની અસરથી ભારત બાકાત નહીં રહે. મહિનાઓ સુધી ક્રૂડતેલ અથવા ઈંધણના ઊંચા ભાવ અને પુરવઠા સ્થિતિ ખોરવાઈ જવાનો સામનો કરવો પડે તેમ હોવાથી ઘરથી માંડીને કોર્પોરેશન અને બૅન્કો સહિત આર્થિક પ્રવૃત્તિ પર અસર થશે, એમ ઍસ ઍન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે એક અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે મજબૂત કોર્પોરેટ બેલેન્સ શીટ્સ, બૅન્કોની સધ્ધર મૂડી ધરાવતી બૅન્કો અને બાહ્ય સ્થિતિ મજબૂત રહેતાં વૈશ્વિક આડ અસરો હળવી થશે. 

એજન્સીનું માનવું છે કે વર્ષ 2026માં ક્રૂડતેલના બેરલદીઠ ભાવ 130 ડૉલર અને વર્ષ 2027માં 100 ડૉલર આસપાસ રહે તો દબાણનો કેસ ગણી શકાય, જ્યારે અનુક્રમે 85 ડૉલર અને 70 ડૉલરના ભાવને બેઝ કેસ છે. તે જોતા ભારતનાં સૉવરિન રેટિંગ પર તાત્કાલિક અસર થવાની શક્યતા નથી. જોકે, રાજકોષીય એકત્રીકરણના પ્રયત્નોને કામચલાઉ ધોરણે આંચકાઓનો સામનો કરવો પડી શકે છે, એમ અહેવાલમાં ઉમેર્યું હતું. 

ક્રૂડતેલના ઊંચા ભાવને કારણે ચાલુ ખાતાની ખાધ વધી શકે છે. જો ક્રૂડતેલના ભાવમાં બેરલદીઠ 10 ડૉલરનો વધારો થાય તો જીડીપીનો ખાંચરો 0.4 પર્સન્ટેજ પૉઈન્ટ વધી શકે. તેમ જ આયાત બિલ વધવાને કારણે ડૉલર સામે રૂપિયામાં પણ ઘસારો આવે. વધુમાં એજન્સીએ ચેતવણી આપી હતી કે એનર્જીના આંચકાને કારણે ઈનપૂટ ખર્ચમાં વધારો, કોર્પોરેટ માર્જિનમાં ઘટાડો અને ગ્રાહક ભાવમાં વધારો થવાની સાથે જો સરકાર સબસિડી જેવાં કોઈ પગલાં લે તો રાજકોષીય દબાણ વધી શકે છે જ ઈંધણ અને પેટ્રોકેમિકલનો પુરવઠો વિક્ષેપિત થતાં વૃદ્ધિ પણ ખોરવાઈ શકે છે