Fri Apr 17 2026

Logo

સૌથી નીચલા ક્રમની વૈશાલી જીતી `ધ કૅન્ડિડેટ્સ' ચેસ સ્પર્ધા, ચીનની વર્લ્ડ ચૅમ્પિયનને પડકારશે

1 day ago
Author: Ajay Motiwala
Article Image

હમ્પી અસલામતીના ડરથી સાયપ્રસમાં ન રમી, પણ વૈશાલી ચૅમ્પિયન બની ગઈ!


પૅફોસ (સાયપ્રસ): ચેસની ગ્રેન્ડમાસ્ટર આર. વૈશાલી બુધવારે અહીં મહિલાઓની `ધ કૅન્ડિડેટ્સ' ટૂર્નામેન્ટ જીતી હતી અને એ સાથે તે હવે થોડા મહિના પછી ચીનની વર્લ્ડ ચૅમ્પિયન જુ વેન્જુન સામે રમશે અને એમાં જીતશે તો મહિલા ચેસના વૈશાલીના રૂપમાં નવી વિશ્વ વિજેતા મળશે. ભારતની જ ટોચની ચેસ ખેલાડી કૉનેરુ હમ્પી પશ્વિમ એશિયાના યુદ્ધને કારણે સાયપ્રસ (Cyprus)માં `ધ કૅન્ડિડેટ્સ' ટૂર્નામેન્ટ રમવા નહોતી ગઈ, પરંતુ ભારતની જ વૈશાલી એમાં રમીને ચૅમ્પિયન બની ગઈ છે.

ચડિયાતી ક્રમની ખેલાડીઓને હરાવી

વૈશાલીનો નાનો ભાઈ આર. પ્રજ્ઞાનાનંદ 2023માં 17 વર્ષની ઉંમરે ચેસ વર્લ્ડ કપમાં રનર-અપ બન્યો હતો. તેઓ ચેસમાં ગ્રેન્ડમાસ્ટર બનનાર ભાઈ-બહેનની પ્રથમ જોડી છે. વૈશાલીએ બુધવારે ફાઇનલ રાઉન્ડમાં રશિયાની કૅટરિના લૅગ્નોને હરાવીને આઉટરાઇટ વિક્ટરી મેળવી હતી. વૈશાલી (Vaishali) આઠ મહિલા ખેલાડીઓની આ વૈશ્વિક ઇવેન્ટમાં શરૂઆતમાં છેક આઠમા ક્રમે હતી, પરંતુ તેણે પોતાનાથી ચડિયાતા ક્રમની ખેલાડીઓને હરાવતા રહીને તેમ જ ગેમ ડ્રૉ કરાવતા રહીને અવ્વલ સ્થાન હાંસલ કર્યું હતું.
 

દિવ્યાને બદલે વૈશાલી ચૅમ્પિયન

વૈશાલીએ વિમેન્સ ઇવેન્ટમાં સૌથી વધુ 8.5 પૉઇન્ટ મેળવ્યા હતા. વર્તમાન વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ છ પૉઇન્ટ સાથે સંયુક્ત રીતે છઠ્ઠા સ્થાને રહી હતી. ગયા વર્ષે 19 વર્ષની ઉંમરે વર્લ્ડ કપ જીતનાર નાગપુરની દિવ્યા દેશમુખ `ધ કૅન્ડિડેટ્સ' ટૂર્નામેન્ટ જીતશે એવું લાગતું હતું, પરંતુ વધુ અનુભવી વૈશાલી ટાઇટલ જીતી ગઈ હતી.
 

મમ્મીનો નૈતિક ટેકો ફળ્યો

પ્રજ્ઞાનાનંદથી વૈશાલી ચાર વર્ષ મોટી છે. તેણે નાના ભાઈની સિદ્ધિઓ પરથી પણ પ્રેરણા લીધી છે, પરંતુ શાંત અને સ્વસ્થ મનની વૈશાલીના મમ્મી નાગલક્ષ્મી હંમેશાં ઇવેન્ટ દરમ્યાન તેની પડખે હતા એનાથી વૈશાલીનો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો હતો. નાગલક્ષ્મી ગૃહિણી છે અને તેમનું વ્યક્તિત્વ ખૂબ સાદગીભર્યું છે. તેઓ લગભગ દરેક ઇવેન્ટ વખતે વૈશાલીની સાથે જ હોય છે. વૈશાલીના પિતા રમેશબાબુ તામિલનાડુમાં સહકાર બૅન્કમાં મૅનેજર છે.