Fri Apr 17 2026

Logo

અમેરિકામાં પિકલબૉલની રમતમાં ભારતીય જોડીએ ગોલ્ડ મેડલ જીતી લીધો

5 days ago
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ બૅડમિન્ટનની રમત જેવી કોર્ટ પર ટેબલ ટેનિસ અને ટેનિસની જેમ રૅકેટથી રમાતી પિકલબૉલ (Pickleball) નામની રમતમાં ભારતીય સ્પર્ધકોએ અમેરિકાના ફ્લોરિડા (Florida)માં મોટી સિદ્ધિ મેળવી છે. આદિત્ય સિંહ અને અર્જુન સિંહ નામના ખેલાડીઓની જોડીએ અન્ડર-18 બૉય્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

ફાઇનલમાં આદિત્ય-અર્જુનની જોડીએ અમેરિકાના રાઇડર બ્રાઉન અને સૉલી મેસિરીની ટૉપ-સીડેડ જોડીને 11-1, 11-5 થી પરાસ્ત કરીને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો.

પિકલબૉલ નામની રમત ભારતમાં ધીમે-ધીમે લોકપ્રિય થઈ રહી છે. કઠણ પ્લાસ્ટિક બૉલથી રમાતી મૅચોમાં ટૅલન્ટ બતાવીને ભારતીય ખેલાડીઓ વિદેશી પ્લેયર્સને પડકારી રહ્યા હોય એવું થોડા વર્ષોથી બની રહ્યું છે. મુંબઈમાં જન્મેલો આદિત્ય સિંહ 2025માં મેન્સ પિકલબૉલ પ્લેયર ઑફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયન પિકલબૉલ અસોસિયેશનના પ્રમુખ સૂર્યવીર સિંહ ભુલ્લરે પત્રકારોને કહ્યું હતું કે `મેં થોડા સમય પહેલા જ કહ્યું હતું અને એ શબ્દો સાચા પડી રહ્યા છે. મેં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે પિકલબૉલની રમતમાં પ્રભુત્વ જમાવવાની ક્ષમતા ભારતમાં છે.'