ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધનથી માત્ર સંગીત પ્રેમીઓ જ નહીં, પરંતુ તેમનો પરિવાર પણ ઊંડા આઘાતમાં સરી પડ્યા છે અને એમાં પણ ખાસ કરીને તેમની પૌત્રી જનાઈ ભોંસલે પોતાની દાદીને યાદ કરીને અત્યંત ભાવુક થઈ ગઈ છે. તેણે દાદી નિધનના ચાર દિવસ બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ જનાઈની પોસ્ટમાં...

દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ 92 વર્ષની વયે 12 એપ્રિલ, 2026ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આશા ભોસલેના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત સંગીત જગતમાં એક શોકની લહેર ફરી વળી છે. આશા ભોસલેની પૌત્રી જનાઈ ભોસલે દાદીથી ખૂબ જ ક્લોઝ હતી અને દાદીના નિધન બાદ જનાઈ સાવ ભાંગી પડી છે. દાદીના નિધન બાદથી જ જનાઈ સતત તેમની યાદો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.
જનાઈ ભોસલે અને આશા ભોસલે વચ્ચેનો સંબંધ ખૂબ જ ગાઢ હતો. આશાજીના અંતિમ સંસ્કાર વખતે પણ ઝનાઈ પોતાની જાતને રોકી શકી નહોતી અને ચોધાર આંસુએ રડતી જોવા મળી હતી. વાત કરીએ જનાઈએ શેર કરેલી પોસ્ટની તો જનાઈએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઉગતા સૂરજનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, સૂરજ દરરોજ ઉગે છે અને આથમે છે, અને જેમ મારી દાદી કહેતા હતા કે જિંદગી ચાલતી રહેવી જોઈએ...
ડનાઈએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં સાંત્વના આપનારા અને આશાજીને પ્રેમ કરનારા તમામ ચાહકોનો આભાર. તેણે આ પોસ્ટ સાથે આશાજીનું જાણીતું ગીત 'મૈં આશા હૂં' શેર કર્યું હતું. આ સિવાય જનાઈએ એક જૂનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે નાની હતી ત્યારે તેની દાદીના ખોળામાં બેઠી હતી અને આશાજી ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. જનાઈએ જણાવ્યું હતું કે દાદી હંમેશા એવું ઈચ્છતા હતા કે અમે જીવનને એ જ રીતે એન્જોય કરીએ જે રીતે તેઓ પોતે કરતા હતા.
વાત કરીએ જનાઈના વર્ક ફ્રન્ટની તો જનાઈ ભોસલે ટૂંક સમયમાં અભિનયની દુનિયામાં પદાર્પણ કરવા જઈ રહી છે. તે સંદીપ સિંહની ફિલ્મ 'ધ પ્રાઈડ ઓફ ભારત- છત્રપતિ શિવાજી મહારાજ' માં છત્રપતિ શિવાજી મહારાજની પ્રથમ પત્ની, રાણી સાઈ ભોસલેનું પાત્ર ભજવશે. આ ફિલ્મમાં લીડ રોલમાં કન્નડ સ્ટાર રિષભ શેટ્ટી જોવા મળશે.