Mon Apr 20 2026

Logo

અપહરણ કરાયેલા સગીરને વ્યંડળ બનાવીને ટ્રેનમાં ભીખ મગાવી: છોકરીનાં કપડાં પહેરાવીને ગ્રાહકો સાથે દેહવ્યાપારની ફરજ પાડી

3 hours ago
Author: Yogesh D Patel
Article Image

બાંગ્લાદેશી વ્યંડળને ક્રાઇમ બ્રાન્ચે ટ્રોમ્બેથી ઝડપી પાડ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
17 વર્ષના સગીરનું અપહરણ કર્યા બાદ તેને વ્યંડળ બનાવી લોકલ ટ્રેનમાં ભીખ મગાવનારા તેમ જ તેને છોકરીઓનાં કપડાં પહેરાવી બળજબરીથી ગ્રાહકો સાથે સંભોગ કરવાની ફરજ પાડનારા બાંગ્લાદેશી વ્યંડળને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ટ્રોમ્બેથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ બાબુ આયનલ ખાન ઉર્ફે બાબુ ગુરુ ઉર્ફે બાબુ હિજડા (30) તરીકે થઇ હોઇ તે ગોવંડીના શિવાજીનગરમાં ગલી નંબર-9 ખાતે રહે છે, એમ પોલીસે જણાવ્યું હતું.

આરોપી બાબુ સામે શિવાજીનગર, કુર્લા, દેવનાર અને ભિવંડીના નારપોલી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ હોઇ તેને વધુ તપાસ માટે શિવાજીનગર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. આરોપી બાબુ ખાનની છ મહિના અગાઉ મુંબઇમાં ગેરકાયદે વસવાટ બદલ ધરપકડ કરાઇ હતી. એ સમયે તેણે મુંબઈમાં લાખો રૂપિયાની મિલકત ખરીદી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

ગોવંડી વિસ્તારમાં રહેનારા ફરિયાદીના 17 વર્ષનો કેટલાક દિવસ અગાઉ અચાનક ગુમ થતાં તેની શોધ ચલાવાઇ હતી. સગીરનો કોઇ પત્તો ન લાગતાં પરિવારે પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. 

શિવાજીનગર પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને સગીરની શોધ ચલાવી હતી. તપાસ દરમિયાન બાબુ ખાન અને તેના સાથી સાફડે ઉર્ફે જારાએ સગીરનું અપહરણ કર્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આથી પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-6ની ટીમે બાબુની શોધ ચલાવી હતી. 

દરમિયાન બાબુ નવી મુંબઈના કોપરી ગાંવ ખાતે નામ બદલીને રહેતો હાવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ત્યાં રવાના થઇ હતી અને બાબુને પકડવા છટકું ગોઠવ્યું હતું. જોકે બાબુને શંકા જતાં તે સાથીદાર સાથે ત્યાંથી કારમાં નાસી છૂટ્યો હતો. આથી પોલીસને કારનો પીછો કર્યો હતો અને ટ્રોમ્બેમાં પાંજરાપોળ જંકશન ખાતેથી તેને તાબામાં લીધો હતો.

બાબુને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લવાયા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે તેણે સગીરનું અપહરણ કર્યું હતું અને તેને વ્યંડળ બનાવીને ટ્રેનમાં ભીખ માગવા માટે પ્રવૃત્ત કર્યો હતો. ઉપરાંત તેણે સગીરને છોકરીઓનાં કપડાં પહેરાવીને ગ્રાહકો સાથે સંભોગ કરવા માટે ફરજ પાડી હતી.