Sun Apr 19 2026

Logo

ગોરેગામના મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સ: ‘પેડલર્સ’ને ટિકિટો વિના પ્રવેશ આપવા બદલ બાઉન્સરની ધરપકડ

2 hours ago
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: ગોરેગામના નેસ્કો સેન્ટર ખાતે આયોજિત મ્યુઝિકલ કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી બે વિદ્યાર્થીનાં મૃત્યુની ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે રવિવારે ‘બાઉન્સર’ની ધરપકડ કરી હતી, જેણે ટિકિટો વિના બે વ્યક્તિને ડ્રગ્સ લઇને કોન્સર્ટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ગોરેગામના નેસ્કો સેન્ટરમાં 11 એપ્રિલે આયોજિત મ્યુઝિકલ કોન્સર્ટમાં દારૂ અને એક્સ્ટસીની ગોળીઓ લીધા બાદ શંકાસ્પદ ઓવરડોઝથી એમબીએના બે વિદ્યાર્થીનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય એક વિદ્યાર્થીની હાલ બોમ્બે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વનરાઇ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કોન્સર્ટમાં સુરક્ષા ટીમનો ભાગ રહેલા પ્રદીપ અરવિંદ ગુપ્તા નામના બાઉન્સરે બે કથિત ડ્રગ પેડલર આયૂષ સાહિત્ય અને વિનિત ગરલાનીને કોન્સર્ટમાં પ્રવેશવા દીધા હતા, જેમની પાસે ટિકિટ નહોતી.

પ્રદીપ ગુપ્તાએ બંને પાસેથી એક-એક હજાર રૂપિયા લીધા હતા અને તેમને અંદર પ્રવેશવા દીધા હતા. ગુપ્તાની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા લોકોની સંખ્યા હવે 10 પર પહોંચી છે. અગાઉ ધરપકડ કરાયેલા નવ જણમાં છ જણ કથિત ડ્રગ સપ્લાયર કોન્સર્ટના આયોજન સાથે જોડાયેલી ત્રણ વ્યક્તિનો સમાવેશ છે. 

ધરપકડ કરાયેલા આરોપીઓમાં આયૂષ સાહિત્ય, પ્રતીક પાંડે, રૌનક ખંડેલવાલ, આનંદ પટેલ, વિનિત ગરલાની, શુભ અગ્રવાલ, આકાશ સનાલ, સન્ની જૈન, બાળકૃષ્ણ કુરુપ અને પ્રદીપ ગુપ્તાનો સમાવેશ થાય છે. (પીટીઆઇ)