Fri Apr 17 2026

Logo

મધ્ય પ્રદેશના ખેડૂતોનો કોળાના હલકા બિયારણનો આક્ષેપ, હૈદ્રાબાદની નનહેમ્સ ઈન્ડિયા સામે એફઆઈઆર

1 hour ago
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના ધાર અને ખરગોન જિલ્લાના ખેડૂતોએ આજે નવી દિલ્હીમાં કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની મુલાકાત લઈને હલકી ગુણવત્તાવાળા કોળાના બિયારણ અને રોપાઓને કારણે ભારે નુકસાની વેઠવી પડી હોવાની ફરિયાદ કરવાની સાથે તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે અનુરોધ કર્યો હતો.ખેડૂતોની આ ફરિયાદને ધ્યાનમાં લેતા અધિકારીઓને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે આદેશ આપવાની સાથે કડક કાયદાકીય પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના મનવાર પોલીસ સ્ટેશનમાં હૈદ્રાબાદસ્થિત કંપની નનહેમ્સ ઈન્ડિયા પ્રા.લિ. સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું કૃષિ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું. 

ફરિયાદ અનુસાર ખેડૂતોએ નવેમ્બર, 2025માં બિયારણ અને રોપાઓની ખરીદી નર્સરી અને કૃષિ સેવા કેન્દ્રમાંથી ખરીદી કરી હતી, પરંતુ અપેક્ષાનુસાર પાક આવ્યો નહોતો, ફળ સંકુચિત થઈ જવાની સાથે પીળા પડી ગયા હતા અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી હતી. 
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈ હેઠળ આવશ્યક ચીજવસ્તુ ધારા અને બિયારણ ધારા હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કૃષિ વૈજ્ઞાનિક અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે ખેડૂતોને પ્રમાણિત બિયારણ હેઠળ હલકી ગુણવત્તાના બિયાંરણ અને રોપાઓ વેચવામાં આવ્યા હોવાથી ભારે નુકસાન થયું હતું. 

ચૌહાણે જણાવ્યું હતું આ બાબત માત્ર પાકના નુકસાનની નથી, પરંતુ ખેડૂતોનો વિશ્વાસ ગુમાવવાની સાથે તેની મહેનત અને મૂડીનું પણ નુકસાન થયું છે. વધુમાં તેમણે હલકી ગુણવત્તાના કોળાના બિયારણ રુબસ્ટા પ્રતિબંધ મૂકવાની સાથે જણાવ્યું હતું કે ખેડૂતો સાથે અન્યાય, બેદરકારી અને છેતરપિંડી કદી સાંખી નહીં લેવાય.