મુંબઈઃ ભારતીય સિનેમા જગતમાં ધુરંધર ફિલ્મે ઈતિહાસ રચી દીધો છે. આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2’ને સિનેમાઘરોમાં રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે. આ એક મહિનામાં આ ફિલ્મે ભારતભરના લોકોને ઘેલા કરી દીધા છે, 19 એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મે એક મહિનામાં 1748 કરોડ રૂપિયા છાપી લીધા છે. આંકડા પ્રમાણે ‘ધુરંધર 2’ ફિલ્મ ભારતમાં 1329 કરોડનો વેપાર કર્યો છે. જ્યારે બાકીની કમાણી અન્ય દેશોમાંથી કરી છે. આ ફિલ્મે સિનેમાજગતમાં એક નવો અધ્યાય લખી દીધો છે કે, બોલિવુડની ફિલ્મો પણ હોલિવુડ જેટલી કમાણી કરી શકે છે. મહત્વની વાત એ છે કે, હજી પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે.
ધુરંધર 2 એ પહેલા જ દિવસે છાપ્યા હતા 102 કરોડ રૂપિયા
કમાણીની વિગતે વાત કરવામાં આવે તો, આ ફિલ્મે પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. રિલીઝ થઈ ત્યારે પહેલા જ દિવસે આ ફિલ્મે 102 કરોડ રૂપિયા છાપી લીધા હતા. ફિલ્મનો ક્રેઝ એટલે વધ્યો અને લોકો થિયેટર પર ઉમટી પડ્યાં હતાં. ‘ધુરંધર 2’ ફિલ્મે રિલીઝ થયાના પહેલા જ અઠાડિયામાં 674 કરોડ રૂપિયાનો વેપાર કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. 31 દિવસ સુધી થિયેટરોમાં સતત ચાલી રહેલી ‘ધુરંધર 2’ હજુ પણ તેના કલેક્શનમાં વધારો કરી રહી છે. અત્યારે સુધી આ ફિલ્મે અનેક ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે.
3000 કરોડની કમાણી કરનારી ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં સામેલ થઈ ધુરંધર
ભારતમાં ઘણી ઓછી એવી ફિલ્મો છે જેની ફ્રેન્ચાઇઝી ફિલ્મે 3000 કરોડ રૂપિયાથી વધારે વેપાર કર્યો હતો. ફ્રેન્ચાઇઝી ફિલ્મની આ શ્રેણીમાં હવે ‘ધુરંધર’ પણ સામેલ થઈ ગઈ છે. આ ફ્રેન્ચાઇઝી ફિલ્મની પહેલી ફિલ્મ ‘ધુરંધર’એ વિશ્વભરમાં રૂપિયા 1,300 કરોડથી વધુની કમાણી કરી હતી. હવે ‘ધુરંધર 2’એ પણ બંપર કમાણી કરીને આ ફિલ્મને એક નવી ઊંચાઈએ પહોંચાડી છે. પહેલા ભાગે 1,300 કરોડ રૂપિયા અને બીજા ભાગે 1748 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હજી પણ આ ફિલ્મ 40 થી 50 કરોડની કમાણી કરશે તેવી આશા છે.
‘ધુરંધર 2’ માટે OTT ડીલ ફાઇનલ
રણવીર સિંહની ધુરંધર 2 એ થિયેટરમાં લોકોને ઘેલા કર્યાં છે, હવે ઓટીટી પર પણ ધુમ મચાવવા માટે તૈયાર છે. અહેવાલ પ્રમાણે ‘ધુરંધર 2’ માટે OTT ડીલ ફાઇનલ થઈ ગઈ છે, અને ફિલ્મનુ Jio Hotstar પર પ્રીમિયર થવાનું છે. જોકે, OTT રિલીઝની સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જોકે, આ ફિલ્મ મે મહિનાના અંત સુધીમાં અથવા જૂનની શરૂઆતમાં OTT પર રિલીઝ થઈ શકે છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ્ં છે.