હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. જેના લીધે સમગ્ર વિશ્વના દેશોની ચિંતા પણ વધી છે. જેમાં ઇરાને અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદન બાદ ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધો છે. તેમજ ઇરાને અમેરિકાને ધમકી આપી છે કે જો તે નાકાબંધી દૂર નહિ કરે તો કોઇના પણ જહાજ પસાર નહિ થવા દે
જહાજો પરના પ્રતિબંધો ત્યાં સુધી અમલમાં રહેશે
આ અંગે મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન બાદ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફે જણાવ્યું હતું કે જો અમે પોતે હોર્મુઝમાંથી પસાર નથી થઇ શકતા તો બીજા લોકો માટે પણ પસાર નહિ થઇ શકે. ઈરાને જાહેર કર્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પરના પ્રતિબંધો ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી અમેરિકા દ્વારા ઈરાની બંદરો પર લાદવામાં આવેલ નાકાબંધી હટાવવામાં નહિ આવે.
યુદ્ધવિરામ ત્રણ દિવસમાં સમાપ્ત થવાનો
આ ઉપરાંત ઈરાન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધવિરામ ત્રણ દિવસમાં સમાપ્ત થવાનો છે. તેમજ બંને દેશો વચ્ચે યુદ્ધ ફરી શરૂ થવાની આશંકા વધુ તીવ્ર બની છે. આનું કારણ એ છે કે હજુ સુધી બીજા રાઉન્ડની શાંતિ મંત્રણા માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.
વાણિજ્યિક જહાજોને સતત ધમકીઓ આપવાનું ચાલુ રાખશે
એક ઇન્ટરવ્યુમાં ગાલિબાફે જણાવ્યું હતું કે ઈરાન આ મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી પસાર થતા વાણિજ્યિક જહાજોને સતત ધમકીઓ આપવાનું ચાલુ રાખશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પસાર થવાનો પ્રયાસ કરી રહેલા જહાજો પર ગોળીબાર પણ કર્યો હતો. જો અમે પોતે હોર્મુઝ સ્ટ્રેટ પસાર નથી થઇ શકતા તો અન્ય લોકો માટે પસાર થવું અશક્ય છે.
ઈરાની નૌકાદળે જહાજોને ચેતવણીઓ જાહેર કરી
ઈરાની નૌકાદળે જહાજોને ચેતવણીઓ જાહેર કરીને હોર્મુઝ સ્ટ્રેટમાંથી નેવિગેટ કરવાનો પ્રયાસ ન કરવાની સલાહ આપી છે. આ જળમાર્ગમાંથી વિશ્વના લગભગ પાંચમા ભાગનો ક્રૂડ ઓઇલ પુરવઠો વહન થાય છે.
અમેરિકા તરફથી નવા પ્રસ્તાવો મળ્યા
આ ઉપરાંત ઈરાને જાહેરાત કરી કે તેને અમેરિકા તરફથી નવા પ્રસ્તાવો મળ્યા છે અને પાકિસ્તાની મધ્યસ્થી હાલમાં સીધી વાટાઘાટોના બીજા રાઉન્ડને સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. ઈરાન માટે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવું એ કદાચ તેનું સૌથી શક્તિશાળી હથિયાર છે. આ પગલું વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરો છે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર રાજકીય દબાણ વધારી રહ્યું છે.