Sun Apr 19 2026

Logo

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ: 16 શ્રમિકનાં કરુણ મોત, અનેક ઘાયલ

1 hour ago
Author: Vimal Prajapati
Article Image

વિરુધુનગરઃ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલ એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ પછી અફડાતફડીનું નિર્માણ થયું હતું. ભયાનક વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 16 શ્રમિકોના કરુણ મોત થયા છે. ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેથી હજી પણ કાટમાળ નીચે લોકો ફસાયેલા હોવાની શંકા છે. અનેક લોકો ઘાયલ થયા હોવાના કારણે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

બ્લાસ્ટ થતાની સાથે જ વિકરાળ આગ લાગી

આ વિસ્ફોટ કટ્ટનારપટ્ટી વિસ્તારમાં સ્થિત એક ફટાકડા યુનિટમાં થયો હતો, જેમાં થોડી જ ક્ષણોમાં ચાર યુનિટ આગની ચપેટમાં આવ્યાં અને બળીને ખાખ થઈ ગયા હતા. બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની દ્વારા રાહત અને બચાવનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે બ્લાસ્ટ એટલો ભયંકર હતો આસપાસની ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. 

આખરે શા કારણે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો?

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ અત્યારે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ કરી રહી છે. આ સાથે આ વિસ્તારની ઘેરાબંધી પણ કરીને સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આ બ્લાસ્ટ શા કારણે થયો તેની કોઈ જાણકારી મળી નથી. જોકે, આશંકા એવી છે કે, ફટાકડાના ઉત્પાદન દરમિયાન સલામતીના ધોરણોનું ધ્યાન રાખવામાં નથી આવ્યું તેના કારણે આ બ્લાસ્ટ થયો હોઈ શકે છે. 
આ મામલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે. તપાસ બાદ બ્લાસ્ટના ચોક્કસ કારણની જાણકારી મળશે. બ્લાસ્ટ ફટાકડાની ફેક્ટરીમાં થયો હોવાના કારણે હજી પણ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને દુર્ઘટના મુદ્દે દુખ વ્યક્ત કરીને જિલ્લા કલેક્ટરને તમામ જરુરિયાતોને તાકીદે પૂરી પાડવા માટે આદેશ આપ્યો છે. તમિલનાડુની દુર્ઘટના મુદ્દે કેકેએસએસઆર રામચંદ્રન સહિત અન્ય પ્રધાનો ઘટનાસ્થળે ધસી ગયા હતા તથા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. 

અહીં એ જણાવવાનું કે તમિલનાડુમાં ફટાકડાની દુકાનો/ફેક્ટરીઓમાં આગ લાગવાની સાથે વિસ્ફોટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ અગાઉ 13 એપ્રિલના વિરુધુનગર સ્થિત સત્તુરની ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હતો. સત્તુર નજીકની મડાથુપટ્ટી ખાતેની એક્સેલ ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો.