Sun Apr 19 2026

Logo

જો અનામત આપવી હોય તો લોકસભામાં 181 બેઠક અનામત રાખો: કોંગ્રેસનો પીએમ મોદીને પડકાર

1 hour ago
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: મહિલા અનામત અંગેના 131મા બંધારણીય સુધારા વિધેયક લોકસભામાં પડી ભાંગ્યા બાદ દેશનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર દોષનો પોટલો ઢોળ્યો હતો, ત્યારે આજે કોંગ્રેસ્ દ્વારા દિલ્હીમાં ભાજપ મુખ્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કોંગ્રેસે માંગ કરી હતી કે પીએમ મોદી મહિલાઓનો હક છીનવી શકે નહિ, કોઈ પણ હાલમાં મહિલા અનામત બિલ લાગુ કરવું પડશે. 

મહિલા અનામત અંગેના 131મા બંધારણીય સુધારા વિધેયક લોકસભામાં પડી ભાંગ્યા બાદ દેશનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર લગાવેલા આરોપોના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદી સદનમાં મળેલી હારથી ડરી ગયા છે અને એટલે જ તેઓ સતત કોંગ્રેસનું નામ જપી રહ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે જો સરકાર ખરેખર મહિલાના હિતેચ્છુ હોય તો લોકસભાની 543 બેઠકોમાંથી ત્રીજા ભાગની એટલે કે 181 બેઠક મહિલાઓ માટે તાત્કાલિક અનામત કેમ રાખવામાં આવતી નથી?

સુપ્રિયા શ્રીનેતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, મહિલા અનામત બિલ હાર્યું નથી, પરંતુ તેની આડમાં સિમાંકન બિલ પસાર કરાવવાની ભાજપની રણનીતિ નિષ્ફળ રહી છે. તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને યાદ કરીને જણાવ્યું હતું કે, પંચાયતી રાજમાં મહિલાઓને અનામત અપાવવાનું શ્રેય કોંગ્રેસને જાય છે, જ્યારે તે સમયે ભાજપના નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે દાવો કર્યો છે કે વિપક્ષ કોઈપણ શરત વગરના મહિલા અનામત બિલને ટેકો આપવા તૈયાર છે, પરંતુ સરકાર પોતે જ તેના અમલીકરણમાં અવરોધ ઊભો કરી રહી છે.

જાતિગત જનગણના મુદ્દે સરકારને ઘેરતા કોંગ્રેસે જણાવ્યું કે, વડા પ્રધાન મોદી માત્ર મજબૂરીમાં જ વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છે, કારણ કે અગાઉ સુપ્રીમ કોર્ટ અને સંસદમાં સરકારે તેનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. જો સરકાર પછાત વર્ગની મહિલાઓને અનામત આપવા માંગતી હોય, તો તેમણે વસ્તી ગણતરીના આંકડા રજૂ કરવા જોઈએ. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વડા પ્રધાન મોદી વાસ્તવમાં મહિલાઓને તેમનો હક આપવા માંગતા નથી અને એટલે જ બિલમાં અઘરી શરતો લાદવામાં આવી રહી છે.

મહિલા સન્માનની વાતો કરતી ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા શ્રીનેતે મણિપુર હિંસા, હાથરસ કાંડ અને મહિલા પહેલવાનોના વિવાદોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પીએમ મોદીના ભૂતકાળના નિવેદનો યાદ અપાવતા કહ્યું હતું કે, મહિલા નેતાઓનું અપમાન કરવું એ ભાજપની માનસિકતા રહી છે. કોંગ્રેસે પડકાર ફેંક્યો છે કે જો સરકારમાં હિંમત હોય તો આવતીકાલે જ સદનમાં વિધેયક લાવી 181 બેઠક મહિલાઓ માટે અનામત જાહેર કરે, સમગ્ર વિપક્ષ આ ઐતિહાસિક પગલામાં સરકારની સાથે રહેશે.