(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે લોકસભામાં મહિલા અનામત બિલની હાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન વિપક્ષને જોરદાર ઠપકા સમાન છે.
એક્સ પર એક પોસ્ટમાં શિંદેએ જણાવ્યું હતું કે મહિલાઓના અધિકારોના ઇનકાર પર ખુશી વ્યક્ત કરતો વિપક્ષ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
જેમ કે વડા પ્રધાન મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ ફક્ત બિલની હાર નથી, પરંતુ મહિલાઓના ગૌરવ પર હુમલો છે. જોકે, આ અવરોધ લાંબો સમય ટકશે નહીં, એમ તેમણે લખ્યું હતું. નારી શક્તિ વંદન અધિનિયમનો લોકસભામાં અસ્વીકાર દેશની મહિલાઓનું અપમાન છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન વિપક્ષને જોરદાર ઠપકો આપવામાં આવ્યો હતો, એમ શિંદેએ કહ્યું હતું.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓને તેમના અધિકારો અને ગૌરવ મળશે તેમાં કોઈ શંકા નથી, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. શિવસેના એનડીએ સરકારની સાથે મજબૂતીથી ઉભી રહેશે અને આ લડાઈનું નેતૃત્વ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે રાષ્ટ્રને સંબોધન દરમિયાન કહ્યું હતું કે સરકારના શ્રેષ્ઠ પ્રયાસો છતાં સંસદમાં મહિલા અનામત બિલ પસાર ન થવા દઈને વિપક્ષોએ મહિલાઓની આકાંક્ષાઓને ‘નિર્દયતાથી કચડી’ નાખી છે.
લોકસભામાં મહિલા અનામત લાગુ કરવાના બિલને હરાવ્યાના એક દિવસ પછી, મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને એસપી જેવા પક્ષોની સ્વાર્થી રાજનીતિ દેશની મહિલાઓના ભોગે આવી છે અને એવો આરોપ લગાવ્યો હતો કે વિપક્ષે વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.