કિવઃ યુક્રેનમાં રશિયન હુમલામાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે યુક્રેનની સેનાએ દક્ષિણ-પશ્ચિમ રશિયામાં એક ડ્રોન ફેક્ટરી પર હવાઇ હુમલો કર્યો હતો. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.
શહેરના લશ્કરી વહીવટીતંત્રના વડાના જણાવ્યા અનુસાર ઉત્તરી યુક્રેનના ચેર્નિહિવ પર રાત્રે થયેલા મોટા ડ્રોન હુમલામાં ૧૬ વર્ષના કિશોરનું મૃત્યુ થયું હતું. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. તેમજ ઘણા ઘરોમાં આગ લાગી હોવાના પણ અહેવાલ છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે રશિયન ડ્રોનોએ રવિવારે સવારે દક્ષિણ શહેર ખેરસોન પર પણ હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ઘાયલ થયો હતો. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે રશિયાએ રવિવાર રાત સુધીમાં યુક્રેન પર ૨૩૬ ડ્રોન છોડ્યા હતા. જેમાંથી ૨૦૩ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે ૩૨ ડ્રોન ૧૮ અલગ-અલગ સ્થળોએ તેના લક્ષ્યો સાથે અથડાયા હતા.
તો આ બાજુ યુક્રેને રશિયન ડ્રોન ફેક્ટરી પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. યુક્રેનના જનરલ સ્ટાફે અહેવાલ આપ્યો છે કે યુક્રેને ટગન્રોગ શહેરમાં એક ડ્રોન ફેક્ટરી પર હુમલો કર્યો હતો. આ ફેક્ટરી સ્ટ્રાઇક અને રિકોનિસન્સ ડ્રોન, તેમજ વધુ શક્તિશાળી યુએવી માટેના ભાગો ડિઝાઇન અને ઉત્પાદન કરે છે. જે ૨૫૦ કિલોગ્રામ વજન સુધીના ગાઇડેડ બોંબ વહન કરવામાં સક્ષમ છે. યુક્રેનિયન ડ્રોનોએ એટલાન્ટ એરો ફેક્ટરીમાં આગ લગાવી દીધી હોવાનું સેનાએ જણાવ્યું હતું.
રશિયન પ્રાદેશિક ગવર્નર યુરી સ્લ્યુસારના જણાવ્યા અનુસાર ટગન્રોગમાં કમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રાત્રે થયેલા હવાઇ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમની સેનાએ રાત્રિ દરમિયાન ૨૭૪ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા. તેમજ હવાઇ બોંબ અને યુક્રેનિયન બનાવટની નેપ્ચ્યુન મિસાઇલોનો પણ નાશ કર્યો હતો.