Sun Apr 19 2026

Logo

પ્રીમિયર લીગમાં લંડનની બે જાણીતી ટીમનો નિરાશાજનક પર્ફોર્મન્સ

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

મૅન્ચેસ્ટરઃ એક તરફ ફૂટબૉલની ચૅમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલના રાઉન્ડને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં તીવ્ર હરીફાઈ જામી છે જેમાં લંડનની બે મોટી ક્લબની ટીમ માટે શનિવારનો દિવસ નિરાશાજનક રહ્યો હતો.

ટૉટનમ અને બ્રાઇટન વચ્ચેની મૅચ 2-2થી ડ્રૉમાં પરિણમી હતી. ટૉટનમ 2-1થી આગળ હતી, પરંતુ 90 મિનિટના મુખ્ય સમય પછીના સ્ટૉપેજ ટાઇમની પાંચમી મિનિટમાં બ્રાઇટનના જ્યોર્જિનિયો રુટરે ગોલ કરીને ગેમ 2-2થી બરાબરીમાં લાવી દીધી હતી અને પછી મૅચ પૂરી થઈ ગઈ હતી. એ પહેલાં, ફર્સ્ટ હાફમાં 48મી મિનિટમાં બ્રાઇટનના કૅઓરુ મિતોમાએ ગોલ કર્યો હતો. ટૉટનમ વતી બે ગોલ પેડ્રો પૉરોએ 39મી મિનિટમાં અને ઝાવી સિમોન્સે 77મી મિનિટમાં કર્યો હતો.

1978થી અત્યાર સુધી ટૉટનમની ટીમ પ્રીમિયર લીગમાં હંમેશાં ટોચના સ્થાનોમાં રહેતી હતી એ આ વખતે છેલ્લેથી ત્રીજા નંબરે (20 ટીમમાં 18મા સ્થાને) છે. ટૉટનમ માટે હવે પ્રીમિયર લીગમાં ટકવું મુશ્કેલ થઈ ગયું છે.

શનિવારે લંડનની અન્ય એક ટીમમાં ચેલ્સીનો મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) સામે 0-1થી પરાજય થયો હતો. મૅચનો એકમાત્ર ગોલ એમયુના મૅથ્યૂઝ કુન્હાએ 43મી મિનિટમાં કર્યો હતો.

ચૅમ્પિયન્સ લીગની સેમિ કોની વચ્ચે?

28મી એપ્રિલે ચૅમ્પિયન્સ લીગનો સેમિ ફાઇનલ રાઉન્ડ શરૂ થશે જેમાં પ્રથમ દિવસે પીએસજી અને બાયર્ન મ્યૂનિક વચ્ચે ટક્કર થશે. બીજી સેમિ ફાઇનલ 29મી એપ્રિલે ઍટ્લેટિકો મૅડ્રિડ અને આર્સેનલ વચ્ચે રમાશે. સેમિ ફાઇનલનો બીજો રાઉન્ડ અનુક્રમે પાંચમી અને છઠ્ઠી મેએ રમાશે.