મુંબઈઃ મુંબઈ-અમદાવાદ રુટ પરની લોકપ્રિય ટ્રેન વંદે ભારત ટ્રેનમાં હવે મુસાફરો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતમાં ટૂંકા અંતરે વારંવાર અપાતા સ્ટોપેજને કારણે ટ્રેનની ઝડપ અને મહારાષ્ટ્રના સ્ટેશનોની અવગણના અંગે પ્રશ્નો ઉભા થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેન પછીના બીજા ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જાણીતી વંદે ભારત ટ્રેન ભારતભરના પ્રવાસીઓ માટે પસંદગીની ટ્રેન બની છે, પણ મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને લઈને હાલમાં મુસાફરોમાં અસંતોષ વધી રહ્યો છે. શા માટે તેવું થયું છે તે જાણીએ.
વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપને કારણે મુસાફરો હાલમાં પરેશાન છે અને ગુજરાત અને મહારાષ્ટ્રના સ્ટોપ વચ્ચે મોટો તફાવત હોવાથી અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. મુંબઈથી અમદાવાદની મુસાફરી ઓછા સમયમાં પૂર્ણ થઇ શકે તે માટે શરુ કરાયેલી આ ટ્રેનમાં શરૂઆતમાં ફક્ત અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ સેન્ટ્રલ જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પર જ રોકાતી હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં આ ટ્રેનને હવે ગુજરાતમાં આણંદ, નવસારી, વલસાડ, વાપી જેવા સ્ટેશનો પર સ્ટોપ અપાયા છે. ખાસ વાત એ છે કે માર્ચથી ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાતમાં ત્રણ નવા સ્ટોપ પણ ઉમેરવામાં આવ્યા હતા. ઉમેરાયેલા સ્ટોપેજ પછી, શું સુપરફાસ્ટ તરીકે ઓળખાતી ટ્રેન ખરેખર પહેલા જેટલી જ ઝડપી છે? આવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે.
મહત્વની વાત એ છે કે ગુજરાતમાં કેટલાક સ્ટેશનો એવા છે જ્યાં બે સ્ટોપ વચ્ચેનું અંતર ખૂબ ઓછું છે. તેમાં સુરતથી નવસારીનું અંતર 29 કિમી છે, જ્યારે વાપીથી વલસાડનું અંતર ફક્ત 26 કિમી છે. તેની સામે, મહારાષ્ટ્રમાં વાપીથી બોરીવલીનું અંતર લગભગ 140 કિમી હોવા છતાં, એક પણ નવું સ્ટોપ ઉમેરવામાં આવ્યું નથી. સ્થાનિક નાગરિકોમાં એવી લાગણી છે કે પાલઘર અને વિરાર જેવા મહત્વપૂર્ણ સ્ટેશનોની અવગણના કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં મુસાફરો હવે આરોપ લગાવી રહ્યા છે એક જ રૂટ પર બે રાજ્યો વચ્ચે ભેદભાવ થઇ રહ્યો છે. તેમની માંગણી છે કે રેલવે પ્રશાસન આ તરફ ધ્યાન આપે અને તમામ રાજ્યોને સમાન ન્યાય આપે.