Sun Apr 19 2026

Logo

પશ્ચિમ બંગાળ ચૂંટણી વચ્ચે ભાજપનો મોટો દાવ: દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર નિયુક્ત

2 hours ago
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધોમાં સુધાર આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેવામાં ભારત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં પોતાના નવા હાઇ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. અત્યારે બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની શરૂઆત થઈ ગઈ છે તેમાં દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં મૂકવા તે એક રાજનૈતિક પગલું સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ શું કહે છે સમીકરણો...

ત્રિવેદીને હવે મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી

ભારતના પૂર્વ કેન્દ્રીય રેલવે પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા એવા દિનેશ ત્રિવેદીને હવે મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે. નવા હાઇ કમિશનર તરીકે દિનેશ ત્રિવેદીને નિયુક્ત કરવામાં આવ્યાં તેમાં પશ્ચિમ બંગાળનું ફેક્ટર વધારે મહત્વનું જણાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં અત્યારે વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેથી દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશના નવા હાઇ કમિશનર તરીકે નિયુક્ત કરવા એ બંગાળની ચૂંટણીના સમીકરણને અસર કરી શકે છે તેવું નિષ્ણાતો માની રહ્યાં છે. 

દિનેશ ત્રિવેદીના રાજકીય સમયની વાત કરવામાં આવે તો તેઓ ભાજપમાં આવ્યા તે પહેલા તે ટીએમસી સાથે સંકળાયેલા હતાં. ટીએમસીએ ગઠબંધન કર્યું તેના કારણે જ તેઓ કેન્દ્રીય પ્રધાન બન્યાં હતા. દિનેશ ત્રિવેદી ટીએમસીની પ્રમુખ નેતા કહેવાતા હતા. જો કે, 2021માં તેમણે ટીએમસીને છોડી દીધી અને ભાજપમાં સામેલ થઈ ગયાં હતા. હવે તેમને બાંગ્લાદેશમાં મુકવામાં આવ્યાં છે. 

ત્રિવેદી યુપીએની સરકારમાં રેલવે પ્રધાન બન્યાં હતા

રાજકીય સફરની વાત કરવામાં આવે તો, યુપીએ સરકાર દરમિયાન દિનેશ ત્રિવેદી રેલ્વે પ્રધાન બન્યાં હતાં. આ સાથે તેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાનની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. 2012માં રેલવે બજેટ દરમિયાન મુસાફરોના ભાડામાં વધારો કરવાના પ્રસ્તાવથી મોટો રાજકીય વિવાદ શરૂ થયો. આ પ્રસ્તાવનો મમતા બેનર્જીએ પણ સખત વિરોધ કર્યો હતા જેના કારણે પછી ત્રિવેદીને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તે બાદ દિનેશ ત્રિવેદીએ 12 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ ટીએમસીમાંથી રાજીનામું આપ્યું અને 6 માર્ચ, 2021 ના ​​રોજ ભાજપમાં જોડાયા ગયાં હતાં. 

રાજકીય ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે દિનેશ ત્રિવેદી

દિનેશ ત્રિવેદીએ 2009થી 2019 સુધી પશ્ચિમ બંગાળના બૈરકપોર બેઠકના સાંસદ રહ્યાં છે. આ પહેલા 1099-96 અને 2002-08ના સમયગાળા દરમિયાન રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપી હતી. દિનેશ ત્રિવેદી રાજકીય ક્ષેત્રમાં વ્યાપક અનુભવ ધરાવતા હોવાના કારણે હવે તેમને બાંગ્લાદેશમાં ભારતના પ્રતિનિધિ બનાવી દેવામાં આવ્યાં છે. હવે તેમના પ્રતિનિધિત્વમાં ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં કેવો સુધાર આવે છે તે જોવાનું રહેશે.

બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો શેખ હસીનાની સરકાર વખતે ભારત સાથેના સંબંધો સારા હતા, પરંતુ તેમની સરકાર પડી અને યુનુસની વચગાળાની સરકાર આવી તેવા વખતમાં બાંગ્લાદેશમાં હિંદૂઓ પર અત્યાચાર કરવામાં આવ્યો અને હત્યાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી. બંને દેશો વચ્ચે સંબંધો ખૂબ જ તણાવ પૂર્ણ રહ્યાં છે, તેવામાં હવે નવી સરકાર બની અને તારિક રહેમાન વડા પ્રધાન બન્યાં છે, જેથી બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધાર આવશે તેવી આશા છે.