Sun Apr 19 2026

Logo

તમિલનાડુમાં ગૃહમંત્રી અમિત શાહના ડીએમકે પર પ્રહાર, ભ્રષ્ટાચાર અને વંશવાદનો આરોપ

1 hour ago
Author: Chandrakant Kanojia
Article Image

મોડાકુરિચી : તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો પ્રચારમાં જોતરાયા છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મોડાકુરિચી વિધાનસભા મતવિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. તેમણે સત્તાધારી પક્ષ ડીએમકે પર ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો હતો. તેમજ  ભાજપના ઉમેદવાર કીર્તિકા શિવકુમારને મોટા માર્જિનથી જીત અપાવવા લોકોને અપીલ કરી હતી.

ડીએમકે પર વંશીય રાજકારણનો આરોપ 

અમિત શાહે ડીએમકે પર વંશીય રાજકારણનો આરોપ લગાવ્યો હતો.  તેમણે કહ્યું, એમ.કે. સ્ટાલિન તેમના પુત્ર  ઉદયનિધિ સ્ટાલિન ને તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનાવવા માંગે છે. પહેલા એમ. કરુણાનિધિ  પછી સ્ટાલિન અને હવે તેમના પુત્ર આ વંશવાદનો આ ખેલ તમિલનાડુના લોકો માટે ક્યારેય ફાયદાકારક સાબિત  નહીં થાય. 

મહિલા અનામતના મુદ્દા પર ડીએમકેને ઘેરી 

મહિલા અનામતના મુદ્દા પર અમિત શાહે ડીએમકે અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, કોંગ્રેસ અને ડીએમકે એ મહિલાઓને સંસદમાં પ્રવેશતા અટકાવ્યા અને તમિલનાડુમાં બેઠકોમાં વધારાને પણ નકારી કાઢ્યો. તેમણે ઉમેર્યું, કે અમે  પીએમ નરેન્દ્ર મોદી વતી  ખાતરી આપીએ છીએ કે અમે તમિલનાડુ અને ભારતની મહિલાઓને ન્યાય અપાવીશું. તેમજ  કોંગ્રેસ અને ડીએમકેની યોજનાને   નિષ્ફળ બનાવીશું.

તમિલનાડુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરીશું

અમિત શાહે વધુમાં જણાવ્યું  કે, AIADMK સાથે જોડાણ કરીને એનડીએ રાજ્યમાં એડપ્પાડી કે. પલાનીસ્વામીના નેતૃત્વમાં સત્તામાં આવશે. આ જોડાણ શાસનમાં સુધારો લાવશે. તેમણે કહ્યું હતું કે, અમે તમિલનાડુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરીશું. 

23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન 

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે અને 4 મેના રોજ મતગણતરી થશે. રાજ્યમાં મુખ્ય સ્પર્ધા ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ અને એઆઈએડીએમકેના નેતૃત્વ હેઠળના એનડીએ વચ્ચે છે.