ઝારગ્રામઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભારે પ્રચાર થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તો બંગાળમાં ધામા નાખી દીધા છે અને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યાં છે. બંગાળમાં ચૂંટણી પ્રચાર અને જાહેર સભાઓ વચ્ચે તેમનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે. ઝારગ્રામમાં ચૂંટણીની સભા બાદ પીએમ મોદીએ 'ઝાલમુરી' ખાવા માટે આખો કાફલો રોકી દીધો હતો.
પીએમ મોદી ખુશીથી ઝાલમુરીનો સ્વાદ માણ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાફલો અચાનક રસ્તાની બાજુમાં આવેલા ઝાલમુરીના સ્ટોલ પર રોકાવી દીધો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર હતા. અહીં પીએમ મોદીએ ઝાલમુરીનો સ્વાદ ચાખ્યો એટલું જ નહીં, પરંતુ દુકાનદાર વિક્રમ સાહ સાથે પણ વાત કરી હતી. વાયરલ થયેલા વીડિયોઝમાં પણ જોવા મળી રહ્યું છે કે, પીએમ મોદી ખુશીથી ઝાલમુરીનો સ્વાદ માણી રહ્યાં છે. તેમની સાથે ફોટો પડાવવા માટે મહિલાઓ પણ અધીરી બની હોવ તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, આવી રીતે પ્રોટોકોલ તોડીને પીએમ મોદી રસ્તામાં લોકોની વચ્ચે ગયા તેના કારણે સુરક્ષા કર્મચારીઓને આશ્ચર્ય થયું હતું.
પીએમ મોદીની વિઝિટ દુકાનદાર માટે સપનું બન્યું
પીએમ મોદીએ ઝારગ્રામમાં પોતાનો કાફલો રોક્યો અને જેની દુકાને જઈને ઝાલમુરીનો સ્વાદ માણ્યો તે દુકાન વિક્રમ સાહની છે. વિક્રમ મૂળ તો બિહારી છે અને છેલ્લા 12 વર્ષથી ઝારગ્રામમાં દુકાન ચલાવે છે.પીએમ મોદી તેની દુકાન પર આવ્યાં તે વિક્રમ માટે સ્વપ્ન જેવું હતું. વિક્રમે મીડિયા સાથે વાત કરવા જણાવ્યું કે પીએમ મોદી ગાડીમાંથી ઉતરીને સીધા જ તેની દુકાન પર આવ્યાં હતાં. અહીં આવીને તેમણે કહ્યું કે, એક ઝાલમુરી બનાવ! વિક્રમે પીએમ માટે મરચાં, મસાલો અને અથાણું મિક્ષ કરીને ખાસ ઝાલમુરી તૈયાર કરીને તેમને આપી હતી. આ ઝાલમુરીનો સ્વાદ માણીને પીએમ મોદીએ કહ્યું કે, ખૂબ જ સારી બનાવી છે. એક સામાન્ય દુકાનદાર માટે આ ખરેખર ખુશીની ક્ષણ કહેવાય કે દેશના વડા પ્રધાન તેની દુકાને આવીને નાસ્તો કરે!
પીએમ નરેન્દ્ર મોદીએ ઝાલમુરીના સ્ટોલ પાસે કાફલો અચાનક રોકી દીધો અને લોકોની વચ્ચે ઝાલમુરીનો સ્વાદ માણ્યો.. શું લાગે છે તમને કઈ નવું લાગે છે?#PMmodi #jhalmuri #jhargram #westbengal pic.twitter.com/AEhRlvBB7Q
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) April 19, 2026
ઝારગ્રામમાં પીએમ મોદીનો અલગ અંદાજ જોવા મળ્યો
વડા પ્રધાન મોદી તેમના કાર્યો માટે જાણીતા છે આ વખતે તેમનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જાલમુરી ખાતી વખતે દુકાનની આજુબાજૂ જે બાળકો હતા તેને પાસે બોલાવ્યા અને તેમને પણ જાલમુરી ખવરાવી હતી. પીએમ મોદીને જોઈને ત્યાની મહિલાઓ પણ તેમને મળવા માટે પહોંચી ગઈ હતી.
મહત્વની વાત એ છે કે, પીએમ મોદીને આમ રસ્તા પર નાસ્તો કરતા જોઈને લોકો ખુશ થઈ ગયા અને ‘જ્ય શ્રી રામ’ અને ‘નરેન્દ્ર મોદી જિંદાબાદ’ના નારા પણ લગાવવાનું શરૂ કરી દીધું હતું. ઝાલમુરીનો આનંદ માણ્યા પછી પીએમ મોદીનો કાફલો હેલિકોપ્ટર તરફ રવાના થઈ ગયો હતો.