Sun Apr 19 2026

Logo

વિજ્ઞાનનો ગજબ ઉલટફેર! કેમ કેળું એક 'બેરી' છે પણ સ્ટ્રોબેરી નહીં? 99 ટકા લોકો નથી જાણતા આ પાછળનું સાચું કારણ...

19 hours ago
Author: Darshna Visaria
Article Image

કેળું એ 'બેરી' છે પણ સ્ટ્રોબેરી એ બેરી નથી. આ વાંચીને ચોંકી ઉઠ્યા ને? એકાદ મિનિટ માટે તમને એવું પણ લાગ્યું હશે કે ભાઈ આ વળી નવું શું છે? તમને ભલે આ સાંભળીને નવાઈ લાગતી હોય પરંતુ વનસ્પતિશાસ્ત્ર એટલે કે બોટનીની દુનિયામાં ફળોનું વર્ગીકરણ તેમના દેખાવ કે સ્વાદ પર નહીં, પણ તેમના ફૂલમાંથી વિકસવાની પ્રક્રિયા પર આધારિત હોય છે. આ જ કારણ સ્ટ્રોબેરીના નામમાં ભલે બેરી આવતું હોય પણ તે બેરી નથી અને એ જ રીતે કેળાના નામમાં ભલે બેરી નથી આવતું પણ કેળા એ બેરી છે. 

આપણે જેને સામાન્ય રીતે બેરી માનીએ છીએ એ કદાચ વિજ્ઞાનની નજરમાં અલગ હોઈ શકે છે. વનસ્પતિશાસ્ત્રીઓ ફળ કેવી રીતે બને છે તેના આધારે તેને વ્યાખ્યાયિત કે વર્ગીકરણ કરે છે. હવે બેરી એટલે શું એની વ્યાખ્યા વિશે વાત કરીએ તો બોટની કલ્ચર એટલે કે વનસ્પતિશાસ્ત્ર અનુસાર 'બેરી' એ એક એવું ફળ હોય છે કે જે ફૂલની એક જ ઓવરીમાંથી વિકસે છે. આ સિવાય આ ફળના ગર્ભમાં બીજ આવેલા હોય છે. બોટનીની આ વ્યાખ્યા મુજબ દ્રાક્ષ, ટામેટાં અને કેળાં પણ બેરીની શ્રેણીમાં આવે છે. 

કેળું કેમ બેરી છે?

કેળું એક જ ફૂલની એક જ ઓવરીમાંથી બને છે. તેમાં બહારની બાજુ છાલ, અંદર નરમ ગૂદો અને મધ્યમાં બીજ હોય છે. જોકે, અત્યારના કેળામાં બીજ દેખાતા નથી કારણ કે તે 'પાર્થેનોકાર્પિક' એટલે કે ફળદ્રુપતા વગર વિકસિત કરવામાં આવે એવી પદ્ધતિથી ઉગાડવામાં આવે છે, તેમ છતાં પણ તેની મૂળ સંરચના તેને 'ટ્રુ બેરી' સાબિત કરે છે.

સ્ટ્રોબેરી કેમ બેરી નથી?

વાત કરીએ સ્ટ્રોબેરી એ બેરી કેમ નથી અને તો સ્ટ્રોબેરીના નામમાં ભલે 'બેરી' આવતું હોય, પણ હકીકતમાં તો સ્ટ્રોબેરીને 'એગ્રીગેટ ફ્રૂટ' કહેવામાં આવે છે. સ્ટ્રોબેરી એક એવા ફૂલમાંથી બને છે જેમાં ઘણી બધી ઓવરી હોય છે. આ સિવાય સ્ટ્રોબેરીની સપાટી પર જે નાના નાના પીળા પીળા દાણા જોવા મળે છે તે હકીકતમાં સ્ટ્રોબેરીના બી નથી, પણ તે પોતે જ એક નાનું ફળ છે, જેને 'એક્ને' (Achene) તરીકે ઓળખવામાં આવે છે. આમ, સ્ટ્રોબેરી એ ઘણા બધા નાના નાના એક ફળોનો સમૂહ છે.

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.