Tue May 26 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ હાનિકારક તત્ત્વ છે એક્રિલામાઇડે ...

1 hour ago
Author: ડૉ. હર્ષા છાડવા
Article Image

માનવ શરીરમાં બીમારીઓ મુખ્યરૂપથી ખરાબ જીવન શૈલીના કારણે જ થાય છે. બીજી થોડી બીમારીઓ બહારના રોગાણું (વાયરસ બેકટેરિયા) અને પોષણની ઉણપથી થાય છે.અસ્વાસ્થકર વિકલ્પ એટલે કે ખાદ્ય પદાર્થ બનાવવાની પદ્ધતિ જે મૂળરૂપથી બીમારીઓ જન્માવે છે. જો બનાવાની પદ્ધતિ સાચી ન હોય તો અસાધ્ય બીમારીઓ  શરીરમાં થાય છે. આપણને એમ લાગે છે કે આપણે સ્વસ્થ ભોજન જ બનાવીએ છીએ. બનાવાની ખરાબ પદ્ધતિ તેમ જ તેમાં ન જોઇતા પદાર્થનો વપરાશ થવાને કારણે શરીરના અવયવની હાર્મની બગડી જાય છે. પાચન ક્રિયા પર જોરદાર અસર થાય છે. 

ભોજન કે ખાદ્ય પદાર્થ બનાવાની પદ્ધતિની સમજ હોવી બહુ જરૂરી છે. તાપમાનનું સંતુલન જાળવવું અતિ મહત્ત્વનું છે. ઉચ્ચ તાપમાનમાં બનેલા ખાદ્ય પદાર્થમાં એક એવો પદાર્થ ઉત્પન્ન થાય છે જેના કારણે શરીરમાં નાની વ્યાધિ અને કેન્સર જેવી બીમારીઓ સર્જાય છે. બહુ જ થોડી માત્રામાં જીવાણું કે બહારનું પ્રદૂષણ શરીર પર અસર કરે છે તે અસર પણ ત્યારે કરે છે જયારે શરીરની ઇમ્યુનિટી ખરાબ હોય. જેટલું ઊંચુ તાપમાન તેટલું ખાદ્ય પદાર્થનું નીચું પોષણ.

ઉચ્ચ તાપમાન પર બનેલા ખાદ્ય પદાર્થમાં એક્રિલામાઇડ નામનો પદાર્થ કુદરતી રૂપે જ ઉત્પન્ન થાય છે. જે એક ઉપ-ઉત્પાદ છે જે સ્ટાર્ચયુક્ત, કાર્બોહાઇડ્રેડથી ભરપૂર ખાદ્ય પદાર્થમાં એકસોવીસ સેલ્સિયસથી અધિક તાપમાન પર રાંધવાથી આ રાસાયણિક પદાર્થ ઉત્પન્ન થાય છે. ભોજનમાં હાજર શર્કરા અને અમીનો એસિડના ગરમ થવાથી આ પદાર્થ ઉત્પન્ન થાય છે. આ એક્રિલામાઇડ એ હાનિકારક તત્ત્વ છે. 

સંશોધનમાં જણાયું કે ઉચ્ચ તાપમાનવાળા પદાર્થમાં પોષણ બહુ જ નાની માત્રામાં થઇ જાય છે. જેથી અપોષક પદાર્થ વધી જતા શરીર આ પદાર્થને પચાવી શકતું નથી અથવા તો શરીરમાં તે નકામા કચરારૂપે જમા થઇ જાય છે. જેથી શરીરમાંનો ઓકિસજન ઘટી જાય છે. કાર્બનનું પ્રમાણ અધિક થઇ જાય છે. શરીરના કોષો પર અસર માઠી થાય છે. જે બીમારીનું મૂળ કારણ બને છે. ખાવાની કે ભોજન બનાવાની પદ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી છે. કહી શકાય કે એક્રિલામાઇડને આહારમાંથી સંપૂર્ણ રીતે હટાવી શકાતો નથી. આહાર બનાવાની પદ્ધતિમાં ફેરફાર કરવાથી તેની મોટી માત્રા ઘટાડી જરૂર શકાય છે.

દાદી-નાનીઓ જે ધીમા તાપમાન પર ભોજન બનાવાની પદ્ધતિ પર વધુ ધ્યાન આપતાં તે આજે સાચું પુરવાર થયું છે. ભારતનાં ઘણાંય રાજ્ય છે. જે રાજ્યમાં ખાવાપીવાની વસ્તુઓ વધુ ફેમસ છે. ત્યાં વધુ બીમારીઓ જણાય છે. કહેવાનું એ કે વધુ રાંધેલી વાનગીઓને કારણે વધુ તકલીફ. પંજાબ રાજ્યમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કેન્સરના દર્દીઓ છે. ગુજરાત અને રાજસ્થાનમાં હૃદયના રોગી અને ઘૂંટણના ઓપરેશનનું પ્રમાણ ખૂબ અધિક છે. ડાયાબિટીઝના દર્દીઓ તેમ જ થાઇરોઇડના દર્દીઓ લગભગ ભારતમાં અધિક પ્રમાણમાં છે. 

આ બધી બીમારીઓથી બચવા માટે જરૂરી છે કે ખાદ્યપદાર્થ બનાવાની પદ્ધતિ તેમ જ બનાવા માટે વપરાતા પદાર્થ પર ધ્યાન આપવું જરૂરી છે. મારી પાસે આવતાં દર્દીઓને જ્યારે બનાવાની પદ્ધતિ વિશે જાણકારી આપતાં તેઓ થોડા દિવસોમાં જ બીમારીઓથી મુક્ત થયા છે. અથવા ઘણી રાહત થઇ છે. બેઠાડું જીવનના કારણે પણ આ ખરાબ તત્ત્વ શરીર બહાર ફેંકી નથી શકાતું. અધિક માત્રામાં ઉચ્ચ તાપમાનવાળો ખોરાક ન લેવો જોઇએ.

એક્રિલામાઇડ યુક્ત ખાદ્યપદાર્થથી બચવા માટે તે વિશે જાણવું જરૂરી છે. સો થી એકસોવીસ સેલ્સિયલ તાપમાનથી બનાવેલા ખોરાકમાં પોષણ હોય છે. તેનાથી ઉપરનું તાપમાન ખાદ્યપદાર્થનાં પોષક તત્ત્વો બળી જાય છે. સાકર બનાવા માટે લગભગ 160 સી (320.8) થી 180 સી (340.એફ)ની તાપમાનની જરૂર પડે છે. તેમાં જે પોષક તત્ત્વો બળી જાય છે. જે વાનગીમાં નાખવામાં આવે તે વાનગીના પોષક તત્ત્વો પણ બગડી જાય છે. 

સાકર વાનગીમાં નાખવા માટે બનતી ચાસણી કે કેરેમલમાં કોઇપણ જાતનાં પોષક તત્ત્વો હોતાં નથી. તેથી શરીરમાં ફકત કાર્બન છોડે છે. ઓક્સિજન વધુ પ્રમાણમાં વપરાઇ જાય છે. જેથી શરીરમાં બીમારીઓ આવવાની શરૂઆત થઇ જાય છે. વર્ષોથી ખવાતી સાકર શરીરમાં એસીડીટી વધારી દે છે તેથી શરીર ધીમું પડી જાય છે.

કોફીના બીન્સ 180.સી થી 250.સી પર રોકવામાં આવે છે. જેથી એક્રિલામાઇડ વધુ બને છે. ચોકલેટ બનાવા માટે વપરાતું કોકોને 150.સી થી ઉપરના તાપમાન પર શેકવામાં આવે છે. આ બન્ને પદાર્થમાં સાકર નાખીને પીવાય અને ખવાય છે. જેના કારણે શરીરમાં એક્રિલામાઇડ પદાર્થ વધુ બને છે. જેથી ઘણીવાર શરીરમાં પાણી ભરાય છે. (વોટર રીટેશન) થાય છે. થાઇરોઇડ બીમારી થવાની શકયતા રહે છે. 

બેકરીમાં બનતા પદાર્થ પણ 180.સી થી વધારે તાપમાનમાં બને છે. તેમાં વપરાતું રિફાઇન્ડ તેલ કે માર્ગરીન કે નકલી ઘી એ પણ ઉચ્ચ તાપમાન પર જ બનેલો હોય છે અને સાકર તો તેમાં છે જ. ચીપ્સ પણ 175.સી 186.સીના તાપમાન પર બને છે. એને બનાવા માટે તેમાં રિફાઇન્ડ તેલનો ઉપયોગ થાય છે. બહારના ફરસાણ, ગાઠિયા, ફાફડા, ભજીયાં, વડાં વગેરે બનાવા માટે 180.સી થી 190.8ના તાપમાનની જરૂર પડે છે. રિફાઇન્ડ તેલમાં જ બને છે. 

આ બધા જ પદાર્થોનું સેવન હાલમાં અધિક છે જેથી શરીરમાં ન જોઇતાં તત્ત્વો વધી જાય છે. જેથી બીમારીઓ પણ અધિક છે. મીઠાઇઓ બહુ વધુ તાપમાન નથી જોઇતું પણ તે વધુ પ્રમાણ શેકાય છે. તેમાં સાકરની ચાસણી હોય છે. જેથી વધુ એક્રિલામાઇડ શરીરમાં બને છે. તેથી કહેવાય છે કે મીઠાઇ ફકત મોટા તહેવાર વખતે જ ખાવી વધુ પ્રમાણમાં કે રોજબરોજ નુકસાનકારક છે. ચહાના પાનને ઉચ્ચ તાપમાન પર જ બનાવવામાં આવે છે. ચા પતિ પાણીમાં પણ ઉકળે છે.

ઇનસન્ટ બનતી વાનગીઓ ઉચ્ચ તાપમાન પર ન બનાવી. ઇનસન્ટ બનતી વાગની પણ લગભગ સોડા યુક્ત હોય છે. તેનો ઉપયોગ ટાળવો કારણ સોડામાં ફકત કાર્બન જ હોય છે. કોઇપણ પ્રકારની સોડાનો ઉપયોગ હાનિકારક છે. બધી જ રાંધેલી વાનગીઓમાં થોડા ઘણે અંશે એક્રિલામાઇડ પદાર્થ હોય જ છે. તેનું પ્રમાણ ઘટાડવા માટે જમતાં પહેલાં સલાડ અને ફળોનું પ્રમાણ વધારી દેવું જેથી રાંધેલું ઓછું ખાવું પડે. વારંવાર ગરમ કરેલું ભોજનમાં એક્રિલામાઇડનું પ્રમાણ વધી જાય છે.

એક્રિલામાઇડ એક રાસાયણિક યોગિક ઉચ્ચ તાપમાન બનાવેલા ભોજનમાં નાના ક્રિસ્ટલ રૂપે બને છે. જે ગ્લાઇસીડામાઇડમાં બદલાઇ જાય છે. જે ન્યૂરોન ટોકસિન છે. આ યોગિક આપણી કોશિકાઓમાં ડી.એન.એ. સાથે જોડાઇ જાય છે. સમારકામવાળું તંત્ર બાધિત થાય છે. એટલે કે તંત્રિકામાં આના ક્રિસ્ટલ ડિપોઝીટ થઇ જાય છે. આ પદાર્થ આંતરડામાં પ્રાકૃતિક માઇક્રોબાયોમને બાધિત કરે છે. પાચનતંત્ર બગાડે છે. 

નસોમાં ક્ષતિ થતા હાથ પગમાં દુખાવો થાય છે. પ્રજનન ક્ષમતા ઘટી જાય છે. વધુ પ્રમાણ વધતા આ કેન્સરકારી છે. એ શોધ પણ ચાલુ છે. એક્રિલામાઇડ એ વધુ બળેલા ભોજનના કાળા થયેલ ભાગ જેવો નહી તે ભોજનમાં બ્રાઉન કલરનો થતાં શરૂઆતની અવસ્થામાં જ બને છે. તેથી બહુ બ્રાઉન ન શેકવું, તાપમાન નીચું રાખીને શેકવું. ભોજનના રંગ પર ધ્યાન દેવું જરૂરી છે.

ભોજનમાં જેટલા પદાર્થ રાંધ્યા વગરના ખાઇ શકાય તેનો ઉપયોગ કરવો. સવારના ગ્રીન જ્યૂસનો ઉપયોગ, ફળો લેવા જેથી શરીર સ્વસ્થ રહે છે. બપોરનાં કે સાંજના ભોજનમાં સલાડ, ચટણી, રાયતાનો ઉપયોગ વધુ કરો. હળવી શેકેલી સલાડ સાંજના લ્યો જેથી વધુ રાંધેલુ ખાવું ન પડે. પીત્ઝા, પાઉભાજી તળેલી વાનગીનો ઉપયોગ ઓછો છે.

ઉચ્ચ તાપમાનવાળું ભોજન રોજબરોજ લેવાય છે. જેથી બીમારીઓ આવે છે. આનાથી ઘણાંય લોકો અજાણ છે. ઘણાંય લોકો વધુ શેકેલું ખાવાનું સારું માને છે. પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ ખોટું પૂરવાર થયું છે. ઘણીય વાનગી વગર રાંધીને બનાવી શકાય છે.
બીમારીઓ થતાં લોકો જે દવાઓ લે છે એ પણ ઉચ્ચ તાપમાન પર બને છે. સમજીને પણ લોકો અસમજ રહે છે.