આજે દુનિયાના મોટા ભાગના લોકો કબજિયાતના રોગથી પીડાય છે. 60 ટકા પુરુષો અને 80 ટકા સ્ત્રીઓને ઓછાં વત્તાં અંશે કબજિયાત હોય છે, પરંતુ મોટા ભાગના દર્દીઓ `પોતાને કબજિયાત છે' તેવું સ્વીકારવા તૈયાર હોતા નથી. તે કબજિયાતને સામાન્ય રોગ સમજીને હળવાશથી લઈ લે છે, પરંતુ કબજિયાત અનેક જિદ્દી રોગની ખાણ છે.
શું હોય છે કબજિયાતનાં લક્ષણ?
* રોજ એકવાર વ્યવસ્થિત મળત્યાગ ન થાય.
* દિવસમાં બેથી વધુ વાર સંડાસ જવું પડે.
* સંડાસમાં પાંચ-સાત મિનિટથી વધુ બેસી રહેવું પડે.
* ઝાડો બહુ દુર્ગંધવાળો, કઠણ, ચીકાશવાળો અને મુશ્કેલીથી આવે.
* પેટનો મેલ અધૂરો સાફ થયાનો અહેસાસ થાય.
* શરીરમાં સ્ફૂર્તિ ન રહે તેમ જ માથું, પેટ, સાંધા, પીંડીઓ, સાથળ વગેરે અંગો દુ:ખે.
* આળસ, ઉદાસીનતા રહે અને કાઈ પણ કામ કરવામાં અરુચિ વરતાય...
શું છે કબજિયાત થવાનાં કારણ?
* પૂરતું ચાવીને ન જમવાની આદતને કારણે એ થઈ શકે...
* અનિયમિત સમયે ભોજન કરવું, શક્તિ ઉપરવટ જમવું, જમ્યા ઉપર ફરી જમવું, ભૂખ વગર જમવું, જમીને તરત પાણી પીવું, જમ્યા પછી તરત સૂઈ જવું વગેરે આદત...
* બેઠાડુ તથા તણાવયુક્ત જીવન અને વધુ પડતા ઉજાગરા કરવા...
* કુદરતી આવેગોને રોકી રાખવો....
* દિવસ દરમિયાન ઓછું પાણી પીવું...
* મેંદાવાળી વાનગીઓ, ફાસ્ટફૂડ કે વધારે ખાંડવાળા પદાર્થો ખાવા.
* જેમનાં આંતરડાં કમજોર હોય તે એક સાથે સંપૂર્ણ મળત્યાગ કરી શકતા નથી. તેથી તેમને 3-4 દિવસે એક વાર અથવા દિવસમાં 2-3 વાર સંડાસ જવું પડે છે.
* દુ:ખાવો, એસિડિટી, એલર્જી, ડીપ્રેશન વગેરેની દવાઓ લેવી...
* રેચક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવો... ઘણા લોકો અમુક પ્રકારની ફાકીના આદી થઈ ગયા હોય છે તે સમયાંતરે આંતરડાંને ખૂબ જ કમજોર કરે છે.
* નશીલા પદાર્થોનું સેવન...
* ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી નારીઓનાં આંતરડાં વધુ ઢીલાં થઈ જાય છે તેથી આંતરડાંની ક્ષમતા ઘટી જવાથી કબજિયાત થઈ શકે
* તાવ કે થાઇરોડ હૉર્મોનની કમી...
કયું સંડાસ સારું ... વિદેશી કે ભારતીય?
આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિમાં જે કોઈ પ્રણાલીઓ છે તે ખૂબ જ લાંબું વિચારીને કરવામાં આવેલ છે. તેમાં અનેક ફાયદા સમાયેલા છે, પરંતુ આપણી ભૂલ એ છે કે, ભારતીય સંસ્કૃતિને ભૂલીને આપણે પશ્ચિમી સંસ્કૃતિ અને રીત-ભાતના પ્રભાવમાં જીવતા થઈ ગયા છીએ.
આપણી ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી ઉભડક બેસીને મળત્યાગ કરવાની રીત ચાલી આવે છે, તે રીત ખૂબ જ વૈજ્ઞાનિક છે. કેમ કે તેમાં આંતરડાં પર ખૂબ જ ઓછું દબાણ આવે છે અને મળદ્વાર સંપૂર્ણ ખુલ્લો રહે છે. તેથી સરળ રીતે મળત્યાગ થઈ શકે છે.
ઊભું અને બેઠું સંડાસ વાપરવાથી મળદ્વાર પર આવતું દબાણ
જોકે હવે આપણે ત્યાં ઘર-ઘરમાં પશ્ચિમી સંડાસ (ઊભા સંડાસ)નો ઉપયોગ વધવા લાગ્યો છે. ઊભા સંડાસમાં મળત્યાગ કરવામાં આંતરડાં પર સ્નાયુઓ દ્વારા દબાણ આવે છે. અને તેમાં મળદ્વાર સંપૂણ ખુલ્લો રહેતો નથી. તેથી ઘણા લોકોને ઊભા સંડાસ વાપરવાથી કબજિયાત જેવા અનેક રોગ થાય છે.
વિદેશી ચિકિત્સકો પણ ઊભા સંડાસના ઉપયોગથી થતાં નુકસાનથી સારી રીતે વાકેફ છે. જાણીતા ડૉ. વિલિયમ વેલેસે કહ્યું છે કે `આજના આધુનિક સંડાસોની બનાવટ માનવશરીરની રચનાને સંપૂર્ણ પ્રતિકૂળ છે.'
આ વાતને ધ્યાનમાં રાખવા જેવી છે એટલે જો શારીરિક મુશ્કેલી ન હોય તો બિનજરૂરી ઊભા સંડાસ વાપરવું પડે, તો પગની નીચે અંદાજે 8થી 10 ઇંચ ઊંચાઈનું નાનું ટેબલ મૂકવું. જેથી બેઠા સંડાસની જેમ 35 ટકા જળવાઈ રહે અને મળદ્વાર સંપૂર્ણ ખુલ્લો રહે.
મળદ્વાર અમુક અંશે બંધ થઈ જાય છે.
મળદ્વાર સંપૂર્ણ ખુલ્લો રહે છે.
કબજિયાતમાં આહાર :
* મેંદાની વાનગીઓનો સંપૂર્ણ ત્યાગ રાખવો.
* બાજરીના રોટલા આહારમાં ઓછા લેવા. અમુક સમયે ઘી સાથે લઈ શકાય.
* ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું પાણી પીવાની ટેવ પાડવી.
* વધુ રેસાવાળો આહાર લેવો (High Fibre Diet)
જેમ કે, પૉલિશ વગરના ઘઉં અને ભાત, જવ, પપૈયાં, મોસંબી, સંતરા, સફરજન, દ્રાક્ષ અને ઉનાળામાં કેરી, કેળા, પેરું, ગુલાબ, ફલાવર, ગાજર, ટમેટાં મૂળા વગેરે.
કબજિયાતના ઉપચાર
* કડું અને કરિયાતુંનું ચૂર્ણ સરખા વજનમાં લઈ મિક્સ કરવું. સવારે અને રાત્રે 1 ચમચી ચૂર્ણ ફાકીને પાણી પીવું. સરેરાશ 7 દિવસમાં જૂનો મળ નીકળીને આંતરડાં શુદ્ધ થશે અને વર્ષો જૂની કબજિયાત મટી જશે.
* રાત્રે સૂતી વખતે 50 ગ્રામ જેટલા લીલા તાજા વટાણા ખૂબ જ ચાવીને જમવા. તેના ઉપર થોડું પાણી પીવું .
* સવારે જાગીને નરણા કોઠે 2-3 ગ્લાસ હૂંફાળું પાણી પીવું.
* 1 ચમચી ત્રિફળાર્ચૂણ અથવા સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલાં લેવું.
* 1 ચમચી ઇસબગુલ ગરમ પાણી અથવા દૂધ સાથે રાત્રે સૂતા પહેલાં લેવું.
* 1-2 ચમચી દિવેલ ગરમ દૂધ કે પાણી સાથે રાત્રે સૂતા પહેલાં લેવું.
* જમ્યા પછી એકાદ કલાકે 3-5 નાની હિમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.
* લીંબુનો રસ ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
* 1 કપ પાકાં ટમેટાંનો રસ પીવાથી આંતરડાંનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
* અંજીરના ટુકડા દૂધમાં ઉકાળીને જમ્યા બાદ તે દૂધ પીવું.
* ખજૂરને રાત્રે પલાળી, સવારે મસળી અને ગાળીને તે પાણી પીવું.
* 1 ચમચી આદુંનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી મધ ગરમ પાણીમાં મેળવીને લેવું.
સાવધાની...
જે લોકોને રાત્રે મોડા સૂવાની અને સવારે મોડા જાગવાની કુટેવ હોય છે, તે કબજિયાતની કાયમ ફરિયાદ કરતા હોય છે, કેમ કે તે એટલા મોડા જાગતા હોય છે કે, તે સમયે આંતરડું મળત્યાગ માટે સક્રિય જ હોતું નથી. તેથી મળત્યાગ કરવા માટે આંતરડાંને ખૂબ જ બળ કરવું પડે છે. મળત્યાગ કરવાનો શ્રેષ્ઠ સમય સવારના 4થી 6 દરમિયાન હોય છે. આ સમયે મોટું આંતરડું ખૂબ જ સક્રિય હોય છે.