Tue May 26 2026

Logo

ઉત્તર ગુજરાતના આ શહેરમાં 45 હજારની લાંચ લેતો એન્જીનિયર ઝડપાયો, રસ્તા પર રૂપિયા લીધા ને..............

1 hour ago
Author: Devayat Khatana
Article Image

હિંમતનગર: પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડા રૂપિયા 45,000 ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના હાથે રંગેહાથ ઝડપાયા છે. એસીબીના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1064 પર મળેલી ફરિયાદના આધારે આ સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. સરકારી અધિકારી દ્વારા લાંચની માંગણી કરવામાં આવતા ફરિયાદીએ જાગૃત નાગરિક તરીકે લાંચ આપવાને બદલે એસીબીનો સંપર્ક કર્યો હતો. 

એસીબી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ ટેન્ડર પ્રક્રિયા દ્વારા પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં બે વોટર એટીએમ (Water ATM) મશીન લગાવ્યા હતા. આ બેમાંથી એક મશીનના બિલને મંજૂરી આપવાના અવેજમાં આરોપી અધિકારીએ ગેરકાયદેસર રીતે 45,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી આ લાંચની રકમ ચૂકવવા માંગતા ન હોવાથી તેમણે ભ્રષ્ટાચાર નિવારણ વિભાગ (ACB) સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે 25 મે, 2026 ના રોજ એસીબી દ્વારા સચોટ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી એન્જિનિયર ગાંધીનગર સ્થિત કર્મયોગી ભવન સામેના જાહેર રસ્તા પર ફરિયાદી સાથે લાંચ અંગે વાતચીત કરી રહ્યો હતો અને રસ્તા પર જ 45,000 રૂપિયા સ્વીકારતા એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો. ટ્રેપ દરમિયાન એસીબીની ટીમે લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ આરોપી સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ (ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.