અમદાવાદઃ શહેરમાં ઓપરેશન લંગડા અંતર્ગત જાણીતા હિસ્ટ્રીશીટરને પોલીસે પગમાં ગોળી મારી હતી.તેની પર હત્યા સહિત 26 ગુના નોંધાયા છે. મળતી વિગત પ્રમાણે, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ધમા બારડની ધરપકડ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન હિસ્ટ્રીશીટર ધમા બારડે પોલીસ અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્વ બચાવામાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાયન્સ સિટી વિસ્તારમાં હિસ્ટ્રીશીટર ધર્મન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડની ધરપકડ કરવા પહોંચી હતી. આ દરમિયાન ધમા બારડે પોલીસ પર હિંસક હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તેના પગમાં ગોળી મારી હતી. ગોળી વાગવાથી ઘાયલ થયેલા ધમા બારડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ધમા બારડ સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 26 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, ધાડ, લૂંટ, રમખાણો તેમજ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટના ઉલ્લંઘન જેવા અનેક સંગીન ગુનાઓનો સમાવેશ થાય છે.
CRIME BRANCH AHMEDABAD CITY
15 દિવસ પહેલા સુરતમાં પણ ઓપરેશન લંગડા અંતર્ગત પોલીસે પગમાં ગોળી મારી
વરાછાની એસબીઆઈ બેંકમાં થયેલી લૂંટમાં પરપ્રાંતીય ગેંગની સંડોવણી સામે આવી હતી. ગેંગના બે આરોપી ઝડપાયા બાદ સુરત લાવીને રિકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસ પર હુમલો કર્યો હતો. જવાબમાં પોલીસે તેના પગમાં ગોળી મારી હતી. આ ઘટના 15 દિવસ પહેલા બની હતી.
ઉપરોક્ત ઘટનાના એક દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાં થયેલી બબાલમાં એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ પોલીસે આરોપીને ઝડપવા વિવિધ ટીમો બનાવી હતી. આરોપી મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલો હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ પકડવા પહોંચી ત્યારે આરોપીએ ધરપકડથી બચવા પોલીસ જવાનો પર ચપ્પુથી હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગી હતી. જેના કારણે તે ફસડાઈ પડ્યો હતો અને પોલીસે આરોપીને દબોચી લીધો હતો. સારવાર દરમિયાન પણ દર્દમાં તે ફરી આવું ન કરવાનું કહી બુમો પાડી રહ્યો હતો.
ગુજરાતમાં આરોપીઓ પર પોલીસે કરેલા ફાયરિંગની ઘટનાઓ
ડિસેમ્બર 2025માં દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. બંને કેસમાં રીઢા ગુનેગારોએ પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો. જેથી સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ લિકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ આજે ખાનગી વાહનમાં બાય રોડ આરોપીને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે દાહોદ નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા SMCના પોલીસ કર્મીનું ગળું દબાવ્યું હતું, બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ખૂંખાર આરોપીને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી હતી.
30 ડિસેમ્બર 2025ના રોજસુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી પર PSIએ ફાયરિંગ કર્યું હતું. ગુનાની વિગતોની તપાસ માટે આરોપી દેવરાજ બોરાણાને રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેને પોલીસની નજર ચૂકવી પહેલેથી સંતાડેલી છરી વડે હુમલો કર્યો હતો.જેમાં જેમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જવાબી કાર્યવાહીમાં હાજર PSIએ આરોપી દેવરાજ બોરાણાના પગના ભાગે ગોળી મારી હતી. જે બાદ તે ઢળી પડ્યો હતો.
આ પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર 11 સપ્ટેમ્બર 2025ના રોજ અપહરણ અને ખંડણીના આરોપી સંગ્રામસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે ઉપરાંત 24 સપ્ટેમ્બરે લૂંટ અને હત્યા કેસમાં ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે આરોપી વિપુલ પરમાર પર, 6 નવેમ્બરના રોજ નવસારીના ડાબેલમાં હત્યાના આરોપી સલમાન લસ્સી પર તો 8 ડિસેમ્બરે અમદાવાદ દાણીલીમડામાં દુષ્કર્મ કેસના આરોપી મોઈનુંદીન પર અને 11 ડિસેમ્બરે રાજકોટ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી રામસિંહ પર, 16 ડિસેમ્બરના રોજ સુરત ડબલ મર્ડરના આરોપી શિવા ટકલા પર તો 20 ડિસેમ્બરે ગાંધીનગર દુષ્કર્મ કેસના આરોપી રામ ગનીત યાદવ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું.