Tue May 26 2026

Logo

મંગળવારે માર્કેટના સેન્ટિમેન્ટ ખરડાયા, સેન્સેક્સ 264 પોઇન્ટ ઘટી ખુલ્યો, નિફ્ટીએ 24,000ની સપાટી ટકાવી

55 minutes ago
Author: mumbai samachar team
Article Image

મુંબઇઃ અમેરિકાએ ઈરાનમાં સુરંગ પાથરતી નૌકાઓ પર કરેલી કાર્યવાહી અને ક્રૂડ ઓઈલ (કાચા તેલ)ની કિંમતોમાં આવેલા ઉછાળાને કારણે બજારના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. જેના લીધે, એશિયાઈ બજારોમાં વ્યાપક પોઝિટિવ સંકેતો અને સંસ્થાકીય રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારા છતાં સોમવારની મોટી તેજી પછી મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી નરમાઇ સાથે ખુલ્યા હતા.

વહેલી સવારે ગિફ્ટ નિફ્ટી (GIFT Nifty) 24,040 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધ ભાવથી 87 પોઈન્ટ અથવા 0.36 ટકા નીચે હતો. અગાઉ સોમવારે, નિફ્ટી 312 પોઈન્ટ અથવા 1.32 ટકાના ઉછાળા સાથે ફરી 24,000ની સપાટી વટાવીને 24,031.70 પર બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 1,073.61 પોઈન્ટ અથવા 1.42 ટકાની તેજી સાથે 76,488.96 પર બંધ થયો હતો, જેને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા મોટા ઘટાડા, રૂપિયામાં મજબૂતી અને યુએસ-ઈરાન વચ્ચે સંભવિત સમજૂતીની આશાથી ટેકો મળ્યો હતો.

મંગળવારના સેશનમાં સેન્સેક્સ 264.82ના ઘટાડા સાથે 76,224.14ની સપાટીએ ખુલ્યો હતો. સોમવારના સેશનમાં સેન્સેક્સ 76,488.96ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી સોમવારના સેશનમાં 24,031.70ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારે નિફ્ટી 27.60 પોઇન્ટ ઘટી 24,004.10ની સપાટીએ ખુલ્યો હતો. 

મંગળવારે સવારે વૈશ્વિક સંકેતો મિશ્ર જોવા મળ્યા હતા. એશિયાઈ શેરબજારોમાં નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, જકાર્તા કોમ્પોઝિટ, શાંઘાઇ કોમ્પોઝિટમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો. બીજી તરફ હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, સેટ કોમ્પોઝિટમાં લીલા નિશાન સાથે તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો. 

માર્કેટમા વધનારા શેરો પર નજર કરીએ તો ઇટરનલ, હિન્દાલ્કો, ઓએનજીસી, કોલ ઇન્ડિયા, ઇન્ફોસિસ તેજી સાથે કારોબાર કરતા જોવા મળ્યા તો બીજી તરફ મેક્સ હેલ્થકેર, સન ફાર્મા, ભારતી એરટેલ, ટ્રેન્ટના શેરમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું.