Mon May 25 2026

Logo

બાંગ્લાદેશમાં શ્રમિકોથી ભરેલી ટ્રક પલટી જતા 15ના મોત, 10થી વઘુ ગંભીર રીતે ઘાયલ

dhanka   1 hour ago
Author: Vimal Prajapati
Article Image

ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આજે વહેલી સવારે મુસાફરોથી ભરેલી એક ટ્રક પલટી જતાં 15 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 10 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત રાજધાની ઢાકાથી આશરે 83 કિલોમીટર દૂર હાઇવે પર સર્જાયો હોવાનું મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે. અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના લોકો મજૂર હતા તેવું જાણવા મળ્યું છે, જેઓ પોતાના વતન જઈ રહ્યા હતા.

વહેલી સવારે 5 વાગ્યે સર્જાઈ દુર્ઘટના

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે મધ્ય બાંગ્લાદેશના એક મુખ્ય હાઇવે પર લોખંડની સામગ્રી અને ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરીને જઈ રહેલી ટ્રક અચાનક પલટી ગઈ હતી. આ દુર્ઘટના ઢાકાથી 83 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવેલા તંગેલ જિલ્લાના સોરાટોઈલ વિસ્તારમાં સવારે આશરે 05:00 વાગ્યે બની હતી. હાઇવે પર ઝડપભેર દોડી રહેલી ટ્રકના ચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે લોખંડના સળિયાથી ભરેલી ભારેભરખમ ટ્રક રોડ પર જ પલટી ગઈ હતી.

લિફ્ટ માંગી આ લોકો પોતાના વતન જઈ રહ્યાં હતા

આગામી ગુરુવારે આવી રહેલા પવિત્ર તહેવાર ઈદ-અલ-અદહા નિમિત્તે દેશમાં રજાઓનો માહોલ શરૂ થઈ ગયો છે. ઢાકા અને તેની આસપાસના વિસ્તારોમાં કામ કરતા ગરીબ મજૂરો પોતાના પરિવારો સાથે તહેવાર મનાવવા ઉત્તરી ક્ષેત્ર તરફ જવા નીકળ્યા હતા. બસ કે અન્ય વાહન ન મળતા આ શ્રમિકો લોખંડના સળિયા ભરેલી ટ્રકમાં લિફ્ટ માંગીને સવાર થયા હતા. ટ્રક પલટી જતાં ઘણા મુસાફરો લોખંડના સળિયા અને ટ્રકના કાટમાળ નીચે દબાઈ ગયા હતા અને 15 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. 

સ્થાનિકોએ ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યાં

સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વહેલી સવારે જોરદાર અવાજ અને ચીસાચીસ સાંભળીને તેઓ દોડી આવ્યા હતા અને ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ રાહત ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તહેવારોના સમયે વાહનોમાં ઓવરલોડિંગ આ અકસ્માતોનું મુખ્ય કારણ બને છે, તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે.