રાયગઢઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાંથી એક હૃદયકંપાવનારા સમાચાર સામે આવ્યા છે. મહાબળેશ્વર અને પોલાદપુર વચ્ચે આવેલા અત્યંત જોખમી આંબેનલી ઘાટમાં આજે વહેલી સવારે એક મોટો કાર અકસ્માત સર્જાયો છે. અહીં પ્રવાસીઓથી ભરેલી એક સ્કોર્પિયો જીપ બેકાબૂ થઈને આશરે 700 થી 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ ભયાનક અકસ્માતમાં ગાડીમાં સવાર તમામ 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો સતારા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
કોંકણથી પરત ફરતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ સ્કોર્પિયો ગાડી સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના આસગાંવ ગામની છે. પ્રવાસ પૂરો કરીને જ્યારે તેઓ રવિવાર-સોમવારની મધ્યરાત્રિએ આશરે 2:45 વાગ્યે આંબેનલી ઘાટ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તીવ્ર વળાંક પર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને કાર સીધી ઊંડી ખીણમાં જઈ પડી હતી. ખીણ એટલી ઊંડી અને દુર્ગમ છે કે શરૂઆતમાં સ્થાનિક વહીવટીતંત્રને અકસ્માતની જાણ થવામાં પણ સમય લાગ્યો હતો. અંધારા અને ઊંડાઈના કારણે બચાવ ટુકડીઓએ દૂરબીનની મદદ લેવી પડી હતી, જેના દ્વારા પહેલો મૃતદેહ નજરે પડ્યો હતો.
રેસ્ક્યૂ ટીમ 700 ફૂટ નીચે ખીણમાં ઉતરી
અકસ્માતની માહિતી મળતા જ પોલાદપુર પોલીસ પ્રશાસન, મહાબળેશ્વર ટ્રેકર્સ અને પ્રતાપગઢ રેસ્ક્યૂ ટીમ સાથે સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દોરડા અને અત્યાધુનિક ટેકનિકલ સાધનોની મદદથી રેસ્ક્યૂ ટીમ 700 ફૂટ નીચે ખીણમાં ઉતરી છે. અત્યાર સુધીમાં ખીણમાંથી 2 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
આસગાંવ ગામમાં માતમનો માહોલ
આ તમામ મૃતકો પ્રવાસીઓ હતા અને તેઓ સતારાના કોરેગાંવ અને આસગાંવના વતની હતા. મૃતદેહોને બહાર કાઢવાની સાથે તેમની ઓળખ વિધિ પણ ચાલુ છે. એક જ ગામના 8 યુવકોના મોતના સમાચાર મળતા જ આસગાંવ સહિત સમગ્ર કોરેગાંવ તાલુકામાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ વળાંક પર સ્પીડ અથવા જોખમી વળાંકના કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે.