Mon May 25 2026

Logo

માનસ મંથનઃ ઘણા લોકો રાજસી તપ કરે છે, ઘણા તામસી તપ કરે છે ને ઘણા સાત્ત્વિકી તપ કરે છે

59 minutes ago
Author: Morari Bapu
Article Image

મોરારિબાપુ

આપ સૌ જાણો છો કે ‘રામચરિત માનસ’માં તપનો ઘણો મહિમા ગાવામાં આવ્યો છે. હું બે પંક્તિઓ આપની સમક્ષ રજૂ કરું છું-

તપબલ રચઇ પ્રપંચ બિધાતા 
તપબલ બિષ્નુ સકલ જગ ત્રાતા 

તો ગોસ્વામીજી કહે છે કે તપસ્યાના બળથી આ સૃષ્ટિના નિર્માતા બ્રહ્મા આ સૃષ્ટિનું નિર્માણ કરે છે. કોઈ નિર્માણ તો કરી દે પરંતુ એનું પાલન ખૂબ જ જરૂરી છે. અને એ પાલન કરવાનું દાયિત્વ ભગવાન વિષ્ણુને સોંપવામાં આવ્યું. અને ભગવાન વિષ્ણુ પણ તપના બળથી જ બ્રહ્મા દ્વારા નિર્મિત આ સુંદર સૃષ્ટિનું પરિપાલન કરે છે. પરંતુ જે નિર્મિત થાય છે એ ક્યારેક ને ક્યારેક નષ્ટ પણ થાય છે. એ નિયતિનો ક્રમ છે. અને જ્યારે કોઈ એવી સ્થિતિ સૃષ્ટિ પર આવે છે,એવી સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે કેટલીક વસ્તુનો સંહાર પણ આવશ્યક બને છે. અને એનું દાયિત્વ કૈલાશપતિ ભગવાન મહાદેવને સોંપવામાં આવ્યું. પરંતુ ચાહે નિર્માણ હોય, ચાહે પાલન હોય મૂળમાં તપનું બળ જોઈએ.

મારા દેશવાસી અને વિશ્વવાસી ભાઈ- બહેનો, આ કોરોના કાળમાં આપણે આરોગ્યની એક નવી સૃષ્ટિ સર્જવાની છે. એક એવી દુનિયા પુન નિર્મિત કરવી હોય તો આપણે બ્રહ્માની માફક તપ કરવું પડશે. તપ દ્વારા નિર્મિત એ સૃષ્ટિનું સુંદર રૂપે પાલન કરવું હશે તો ભગવાન વિષ્ણુની પદ્ધતિથી તપ કરવું પડશે. અને અંતે એનું નિર્વાણ કરવું હશે તો પણ વિશ્વનાથ મહાદેવની માફક તપ કરવું પડશે.

મારાં ભાઈ-બહેનો, હું આટલા વર્ષોથી આપની સન્મુખ છું. ગુરુકૃપાથી મારા પણ કેટલાક અનુભવ છે; એને આધારે હું કહેવા માગું છું કે તપના પ્રભાવથી માણસમાં ત્રણ વસ્તુ આવે છે. તપના પણ ત્રણ પ્રકાર છે. ઘણા લોકો રાજસી તપ કરે છે. ઘણા લોકો તામસી તપ કરે છે. ઘણા લોકો સાત્ત્વિકી તપ કરે છે. ત્રણેયના પરિણામ જુદા જુદા છે. મને લાગે છે કે આજના સમયમાં, આજના સંદર્ભમાં તપ સાત્ત્વિક હોવું જોઈએ. અને એ સાત્ત્વિક તરફથી આપણે ત્રણ બાબત પ્રાપ્ત કરી શકીએ છીએ. એક તો આપણી અંદર આપણે પ્રામાણિકતાની સૃષ્ટિ સર્જી શકીએ છીએ. મારા ફ્લાવર્સ, સાચી તપસ્યાનું ફળ છે હૃદયમાં પ્રામાણિકતાની સૃષ્ટિનું સર્જન થવું. 

સાત્ત્વિક તપસ્યાનું બીજું ફળ છે, જે પ્રામાણિકતા આપણા અંત:કરણમાં આપણા સાત્ત્વિક તપ દ્વારા પ્રગટ થઈ છે એનું પરિપાલન થશે. અને પરી પાલન થયું છે કે નહીં એનું પરિણામ એ છે કે ભીતર પ્રામાણિકતાની સૃષ્ટિ નિર્મિત થઈ જાય તો આપણા જીવનમાં પવિત્રતા પેદા થાય છે. જેવી રીતે માણસના ગળામાં કફ હોય તો એનો સુર, સ્વર બરાબર પ્રગટ નથી થતો; કફ નીકળી જાય તો સુંદર સ્વર નીકળશે; 

એવી રીતે પ્રમાણિકતા ન હોવાને કારણે, પ્રામાણિકતાની સૃષ્ટિ આપણે નિર્માણ ન કરી શકીએ અને એ કારણે આપણી ભીતરી સૃષ્ટિ પવિત્રતાનું ફળ નથી પામી શકતી. તો તપના બળથી આપણે પવિત્રતા અર્જિત કરી શકીએ છીએ. અને મને લાગે છે કે એક વાર પ્રમાણિકતા આવી જાય, પવિત્રતાનું પાલન થઈ જાય ત્યારબાદ આપણા જીવનમાં આઠે પહોર પ્રસન્નતા જ રહી શકે છે. તો સાત્ત્વિક તપના પ્રભાવથી જે ત્રીજું પરિણામ આવે છે એ છે પ્રસન્નતા. 

જગતગુરુ શંકરાચાર્ય ભગવાને ક્યારેક કહ્યું છે કે પ્રસન્નચિત્તે પરમાત્મ દર્શનમ જ્યારે માણસનું ચિત્ર પ્રસન્ન થાય છે તો એને પરમાત્માનું દર્શન થાય છે એટલે કે પરમાત્માની મહેસૂસી થાય છે. અને કેટલીક બાધાઓને કારણે પ્રસન્નતા નથી આવતી.પ્રસન્નતાની બાધાઓ છે કક્ષાથી વધારે અપેક્ષાઓ. આપણી અપેક્ષાઓ, બીજા પ્રત્યેથી આપણી એટલી ઈચ્છાઓ, એટલે કામનાઓ આપણી પવિત્રતાને અકબંધ નથી રાખવા દેતી, એવું હું સમજ્યો છું. આપણે પરિણામલક્ષી પવિત્રતાનું નિર્માણ નથી કરી શકતા એના માટે કેટલીક વસ્તુઓનું નિર્વાણ જરૂરી છે. અને વિશ્વનાથ શિવની કૃપાથી આપણી એ અનંત કામનાઓનું નિર્વાણ થાય છે. 

મારાં ભાઈ - બહેનો, આવો, આ તપસ્યાનું જે પર્વ છે, એ તપસ્યાના પર્વમાં; આપણે આજે કળિયુગમાં મસ્તક ટેકવીને ઊભા રહીને તપસ્યા કરવાની જરૂર નથી; ચારે બાજુ અગ્નિ જલાવીને વચ્ચે પંચધૂણી તાપવાની જરૂર નથી; આપણી જાતને ખીલા પર સુવડાવવાની જરૂર નથી; આપણા દેશ પર કોરડા મરીને દંડિત કરવાની જરૂર નથી. 

આજના દેશ કાળ અનુસાર, કળિયુગ અનુસાર આપણું સાત્વિક તપ હોય, જે આપણા અંત:કરણમાં પ્રામાણિકતાને સૃષ્ટિનું નિર્માણ કરે અને પછી વૈષ્ણવી તરફથી આપણે પવિત્રતાનું નીરવહન કરીએ,પાલન કરીએ અને પછી કરુણામય શિવના શૈવ તપથી નિર્વાણ કરીએ. આપણે પ્રસન્નતારૂપી ઉપલબ્ધિને આ કામનારૂપી વસ્તુ રોકે નહીં, તોડી ન નાખે એટલા માટે એનું શૈવ તપસ્યાથી નિર્વાણ કરીએ. રાષ્ટ્રીય તપસ્યાના પર્વમાં આપણે બધાં આવું તપ કરીએ.

(સંકલન જયદેવ માંકડ)