Mon May 25 2026

Logo

શિવ રહસ્યઃ તમે મારા ગુરુ છો, તમે આદેશ આપ્યો હોત તો હું સાવધ થઈ જાત...

1 hour ago
Author: Bharat Patel
Article Image

ભરત પટેલ

કામધેનુ સ્વર્ગલોકનો ત્યાગ કરી ચાલી ગઇ છે એ વાતની જાણ સપ્તઋષિઓને થાય છે. તેઓ દેવરાજ ઇન્દ્રને મળવા સ્વર્ગલોક પહોંચે છે. દેવરાજ ઇન્દ્રને જોતાં જ કહે છે, ‘દેવરાજ ઇન્દ્ર તમે સંસારના કલ્યાણ માટે કામધેનુને સ્વર્ગલોક લઈ ગયા હતા, પણ અમને ખબર પડી છે કે કામધેનુ સ્વર્ગમાં નથી. ક્યાં ગઈ કામધેનુ.’ દેવરાજ ઇન્દ્ર તેમને જવાબ આપતાં કહે છે, ‘સપ્તઋષિ! તમે ચિંતા ન કરો, કામધેનુ તુરંત આવી જશે, મારા સૈનિકો શોધી જ રહ્યાં છે.’ 

ઘણો સમય વીતી જવા છતાં સૈનિકો પરત ન આવતાં સપ્તર્ષિ ક્રોધિત થતાં કહે છે કે, ‘દેવરાજ ઇન્દ્ર તમે આટલા બેદરકાર કઈ રીતે થઈ શકો? કામધેનુ ક્યાં છે એ તમને ખબર નથી, કામધેનુની સુરક્ષાની જવાબદારી તમે લીધી હતી.’ ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર કહે છે, ‘જવાબદારી તો મેં લીધી જ હતી, કોઈ કષ્ટ કે તકલીફ એને અહીં નહોતા, અસુરોએ સ્વર્ગલોક પર એટલો કાળો કેર વર્તાવ્યો કે કામધેનુ એટલી દુ:ખી થઈ કે એણે સ્વર્ગનો ત્યાગ કર્યો, એમાં દેવતાઓનો કોઈ હાથ નથી. અમે દેવતાઓ એટલા પીડાયા તો કામધેનુ તો પશુ છે.’

કામધેનુને પશુ કહેતાં જ સપ્તર્ષિ વધુ ક્રોધિત થાય છે અને કહે છે, ‘દેવરાજ ઇન્દ્ર કામધેનુ માતા સ્વરૂપી છે તેને પશુ કહી તેમની દિવ્યતાનું અપમાન ન કરો.’ માફી માગતા દેવરાજ ઇન્દ્ર કહે છે, ‘ક્ષમા આપો સપ્તઋષિ, કહેવાનો અર્થ એ હતો કે અસુરો દ્વારા થયેલા હુમલાથી હું એટલો વ્યાકુળ છું કે હું શું બોલું છું એની જાણ મને રહેતી નથી, કામધેનુનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ હું તમને આશ્વાસન આપું છું કે તમારી કામધેનુ અવશ્ય પાછી આપીશ.’ 

દેવરાજ ઇન્દ્ર તુરંત તેમના દેવગણો સાથે કામધેનુને શોધવા નીકળી પડે છે, કામધેનું ક્યાંય ન મળતાં થાકી હારેલા દેવતાગણ બ્રહ્મલોક પહોંચે છે અને બ્રહ્માજીને કહે છે, ‘પરમપિતા તમને તો ખબર જ હશે કે થોડા દિવસ પહેલાં અસુરોએ સ્વર્ગલોક પર આક્રમણ કર્યું હતું ત્યારે મારી જાણબહાર તેઓ કામધેનુને પોતાની સાથે લઈ ગયા હતા અને હવે કામધેનુ ક્રોધિત થઈ સ્વર્ગલોકને ત્યાગી ક્યાંક જતાં રહ્યાં છે, પરમપિતા તમે જ અમને સહાય કરી શકો.’
* * * * * *
બ્રહ્માજી: ‘દેવરાજ તમારે એ વિચાર કરવો જોઇએ કે કામધેનુએ સ્વર્ગનો ત્યાગ શું કામ કર્યો?’

દેવરાજ: ‘તમે દેવગણોને પૂછી શકો છો મારી કોઈ ભૂલ નથી. પરમપિતા તમે તો ત્રિકાળદર્શી છો, તમને તો ખબર જ હશે કે કામધેનુ ક્યાં છે?’

બ્રહ્માજી: ‘મને ખબર છે તમારી ઉપેક્ષા જ કારણભૂત છે કામધેનુને સ્વર્ગનો ત્યાગ કરવા. તમારી ઉપેક્ષાથી અસંતોષાઈને કામધેનુએ સ્વર્ગ છોડી દીધું છે.’

દેવરાજ: ‘ઋષિગણ (સપ્તર્ષી) સ્વર્ગ લોક ખાતે મારી રાહ જોઈ રહ્યા છે મને સહાય કરો. કામધેનુને શોધી તેમને સોંપવાનું મેં એમને વચન આપ્યું છે.’

બ્રહ્માજી: ‘દેવરાજ તમે આપેલા વચન માટે તમે શું પ્રયત્ન કર્યા એ જણાવશો?’

માતા સરસ્વતી: ‘સ્વામી, આ કેવો સવાલ છે, દેવરાજ સ્વર્ગ છોડી અહીં સુધી આવ્યા એ શું તેમનો પ્રયત્ન નથી.’

દેવરાજ: ‘બ્રહ્માજી મારી સહાય કરો, હું એ ભયમાં છું કે કામધેનુ ક્યાંક ખોટા હાથમાં ન આવી જાય.’

બ્રહ્માજી: ‘દેવરાજ, તમે ગૌમાતા કામધેનુનું અપમાન કર્યું છે, હું તમને કોઈ મદદ નહીં કરું.’

નારાજ દેવરાજ ઇન્દ્ર ફરી સ્વર્ગલોક પહોંચે છે ત્યાં સપ્તર્ષિ (ઋષિગણ) તેમની રાહ જોતા હોય છે.

સપ્તર્ષિ: રદેવરાજ ક્યાં છે અમારી કામધેનુ?’

દેવરાજ ઇન્દ્ર: ‘માફ કરો ઋષિગણ, હાલ હું કામધેનુને શોધી નથી શક્યો, દેવતાગણ દરેક દિશામાં તેમને શોધી રહ્યા છે.’

સપ્તર્ષિ: ‘દેવરાજ તમે અમારી પરીક્ષા ન લો, અમે તમને શાપ આપીએ તે પહેલાં કામધેનુને શોધી લાવો.’

દેવગુરુ બૃહસ્પતિ: ‘માફ કરો ઋષિગણ, દેવતાઓ કામધેનુને શોધી જ રહ્યા છે, થોડા જ સમય તેઓ શોધી લાવશે.’

સપ્તર્ષિ: ‘દેવગુરુ બૃહસ્પતિ તમારા શબ્દોને માન આપી અમે અહીંથી જઈએ છીએ, કામધેનુની ભાળ મળતાં જ અમને સોંપવામાં આવે.’

આટલું કહી સપ્તર્ષિ (ઋષિગણ) ત્યાંથી વિદાય લે છે. એ જોઈ દેવરાજ ઇન્દ્ર સ્વસ્થતા અનુભવે છે.

દેવરાજ ઇન્દ્ર: ‘ગુરુદેવ તમે પણ મારો સાથ છોડી દીધો?’

દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ આ સમસ્યા ક્યારેય નિર્માણ ન થાત... મેં તમને વારંવાર તમારી જવાબદારીઓ પ્રત્યે સભાન કરવાની કોશિશ કરી જોઈ પણ તમે દર વખતે મારા માર્ગદર્શનનો અસ્વીકાર કર્યો.’

દેવરાજ ઇન્દ્ર: ‘તમારે આદેશ આપવો જોઇએ, તમે મારા ગુરુ છો, તમને પૂરો અધિકાર છે મને આદેશ આપવાનો. તમે આદેશ આપ્યો હોત તો હું સાવધ થઈ જાત.’

દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ જો તમને યોગ્ય લાગે તો એટલું જણાવીશ કે કામધેનુને ચાર પુત્રીઓ છે. એમાં સૌથી જ્યેષ્ઠ સૌરભી ઉર્ફે નંદિની પૂર્વમાં નિવાસ કરે છે. બીજી હર્ષચિકા દક્ષિણમાં નિવાસ કરે છે, ત્રીજી સુભદ્રા પશ્ર્ચિમમાં નિવાસ કરે છે અને ચોથી ધેનુ ઉત્તરમાં નિવાસ કરે છે.’

દેવરાજ ઇન્દ: ‘દેવગુરુ હું સમજી ગયો કે કામધેનુ તેમની ચારેય પુત્રીમાંથી કોઈપણ એક પાસે અવશ્ય મળશે. મને આશિર્વાદ આપો કે હું તેમને શોધવામાં સફળ થાઉં.’

દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ, યાદ રાખો કે કામધેનુને શોધવી અગ્રક્રમે છે પણ ત્યારબાદ પંચતત્ત્વ દેવતાઓને શોધવા આવશ્યક છે.’

દેવરાજ ઇન્દ્ર: હાલ પંચતત્ત્વ દેવતાઓમાં સૂર્ય દેવ, અગ્નિદેવ, પવનદેવ, ચંદ્રદેવ અને વરુણદેવ દરેક જણ પોતાની જવાબદારી પૂર્ણપણે નિભાવી રહ્યા છે એટલે તેઓ સુરક્ષિત છે એટલું આપણે સમજી જ શકીએ, પહેલાં આપણે કામધેનુને શોધી લઈએ એ વધુ મહત્ત્વનું છે.’

દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ થોભો, પંચતત્ત્વ દેવતાઓની અનુપસ્થિતમાં હું તમને એકલા નહીં છોડી શકું, હું પણ તમારી સાથે આવું છું.’

પ્રસન્ન દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ સાથે કામધેનુને શોધવા નીકળી પડે છે.     (ક્રમશ:)