Mon May 25 2026

Logo

મનનઃ ક્ષમી- સંતુષ્ટ:

1 hour ago
Author: Hemant Wala
Article Image

હેમંત વાળા

ગીતાના બારમા અધ્યાય ભક્તિયોગમાં ભક્તનું વિગતે વિવરણ કરવામાં આવ્યું છે. ભક્ત કેવો હોય તે એક બાબત છે અને કેવો ભક્ત ઈશ્વરને પ્રિય હોય તે અન્ય બાબત છે. ભક્તિ તો ઘણાં કરે પરંતુ ઈશ્વરને પ્રિય હોય તેવાં ભક્ત તો કોઈક જ બની શકે. આ અધ્યાયના તેર અને ચૌદમાં શ્લોકમાં જણાવ્યું છે કે ‘જે સર્વ ભૂતોનો દ્વેષ ન કરી બધાં સાથે મિત્રભાવે વર્તન કરે છે, જે કરુણાસભર છે, મોહ અને અહંકાર રહિત છે, સુખ દુ:ખને સમાન માનનાર છે, ક્ષમા કરવા વાળો છે, સંતુષ્ટ એટલે કે સંતોષી છે, યોગનિષ્ઠ છે, મનને વશમાં રાખવા સમર્થ છે, દ્રઢ નિશ્ર્ચય વાળો છે અને મારામાં અર્પણ કરાયેલા મન બુદ્ધિ વાળો છે; તે ભક્ત મને પ્રિય છે’. આ એક અદ્ભુત વિધાન છે.

મજાની વાત એ છે કે આ જ અધ્યાયના ઓગણીસમા શ્ર્લોકમાં ‘સંતુષ્ટ’નો ફરીથી ઉલ્લેખ થાય છે. અહીં જણાવવામાં આવ્યું છે કે ‘સંતુષ્ટો યેન કેનચિત્’ અર્થાત્ જે કંઈ પ્રાપ્ત થાય તેનાંથી સંતુષ્ટ રહેનાર. આ બાબત એ વાત તો સ્પષ્ટ કરે છે કે ‘સંતુષ્ટ’નું કેટલું મહત્ત્વ છે. અહીં સમજવાની વાત એ છે કે ગીતામાં અમુક વાતો બહુ સૂક્ષ્મતાથી પરંતુ અદ્ભુત રીતે કહેવામાં આવી છે. ગીતાના બારમા અધ્યાય ભક્તિયોગના તેરમા શ્લોકનો છેલ્લો શબ્દ છે ક્ષમી. તે પછીનાં શ્લોકનો પ્રથમ શબ્દ છે સંતુષ્ટ. આ ક્ષમી અને સંતુષ્ટ વચ્ચેનું સમીકરણ અદ્ભુત છે.

સંતુષ્ટ રહેવા માટે જે કંઈ મળી રહે તેનાથી પૂરેપૂરો સંતોષ માનવો પડે. બની શકે કે વ્યક્તિ જેને લાયક હોય તે તેને મળી રહે; પરંતુ દર વખતે આ શક્ય નથી હોતું. ક્યારેક લાયકાત કરતાં ઓછું પણ મળી શકે અને વિપરીત પણ મળી શકે. અન્ય કોઈક ને ક્યારેક લાયકાત કરતાં વધુ પણ મળી જાય અને વાસ્તવમાં જેની લાયકાત હોય તે રીક્ત રહે. 

બની શકે કે આવાં સંજોગોમાં ઉદ્વેગ થાય, અજંપો અનુભવાય, દુ:ખ થાય, નિરાશા વ્યાપી જાય, ક્યારેક ક્રોધ પણ આવી શકે, એકવાર ધર્મ અને સત્યના માર્ગને છોડવાની ઈચ્છા પણ થઈ આવે, સાત્વિક શ્રદ્ધા તેમજ આત્મવિશ્વાસ ડગી શકે, સંસારનાં વ્યવહાર માટે પ્રશ્નો ઊભાં થાય અને ક્યારેક ઈશ્વરના ન્યાય વિશે પણ શંકા જાગે. આધ્યાત્મના માર્ગ પર જનાર વ્યક્તિ માટે આ પરિસ્થિતિ અતિ નકારાત્મક તેમજ ચિંતાજનક કહેવાય.

સંતોષ આવશ્યક છે, સંતુષ્ટી જરૂરી છે. પરંતુ જ્યારે મનમાં આ પ્રકારની શંકા ઊભી થાય ત્યારે શું કરવું તેનું માર્ગદર્શન આગળના શ્ર્લોકના છેલ્લાં શબ્દમાં છે, અને તે છે ‘ક્ષમી’. માફ કરવું જરૂરી છે, ક્ષમા આપવી જરૂરી છે. ઈશ્વરમાં શ્રદ્ધા અને તેની સૃષ્ટિના નિયમોમાં વિશ્વાસ આવશ્યક છે, જો તે ખંડિત થાય તો અત્યાર સુધી પ્રાપ્ત કરેલી પ્રગતિ પણ શૂન્યવત બની રહે. 

એ સ્વીકારવું જ પડે કે જે કંઈ ઘટના ઘટીત થઈ છે ઈશ્વરનો એ ન્યાય છે, સૃષ્ટિનાં સિદ્ધાંતને આધારિત સ્થાપિત થયેલું પરિણામ છે, સૃષ્ટિની એક વિસ્તૃત યોજનાનો ભાગ છે અને તે બધાં સાથે ઘટીત થયેલ ઘટના તટસ્થ-નિષ્પક્ષ-સંતુલિત પ્રકૃતિનાં નિયમનો એક નાનકડો અંશ માત્ર છે. આ પ્રકારની સમજ, જ્ઞાન પ્રગટ થતાં જ ભ્રમણા નાશ પામે. અવિદ્યા દૂર થતાં જ મોહ-માયા-અહંકાર લુપ્ત થાય. ગહન અને વિસ્તૃત સત્ય પ્રતિત થતાં આગળનાં સમય માટેની માનસિકતા સકારાત્મક બને જેનાથી આગળનો ઇચ્છનીય રસ્તો પ્રશસ્ત થાય.

ક્ષમા એટલા માટે નથી આપવાની કે વ્યક્તિ પોતે બહુ સમર્થ હોવા છતાં સમજુ અને વિનમ્ર છે. ક્ષમા એટલા માટે આપવાની છે કે ક્યારેક વર્તમાનમાં કે ભૂતકાળમાં પોતે પણ ભૂલ કરી હોય તે શક્ય છે અને કદાચ વર્તમાનમાં તેનો હિસાબ થતો હોય. ક્ષમા એટલા માટે આપવાની છે કે જે કંઈ પરિસ્થિતિ સ્થાપિત થઈ છે તે ઈશ્વરની ન્યાય વ્યવસ્થાના એક ભાગ સમાન હોય છે. 

ઈશ્વરની આ ન્યાય વ્યવસ્થાનો તાગ મેળવવાની ક્ષમતા માનવીની નથી. કોઈની સમક્ષ ફરિયાદ કરવાની કોઈ સંભાવના ન હોવાથી કે પ્રત્યક્ષ સ્વરૂપે કોઈ ફરિયાદ સાંભળનાર ન હોવાથી ક્ષમા નથી આપવાની, સૃષ્ટિના અગમમાં મન બુદ્ધિ ચિત અહંકારનો પ્રવેશ અસંભવ હોવાથી ક્ષમા આપવાની છે. બની શકે કે ક્ષમા આપીને જે માનસિક સ્થિતિ પ્રાપ્ત થાય તેનાંથી ઘણી વાસ્તવિકતા સમજમાં પણ આવી જાય; ત્યાં સુધી મન પર એક પ્રકારનું અસ્વિકૃતિનું આવરણ ચઢેલું રહે.

માની લીધેલી વિપરીત પરિસ્થિતિ પછી પણ જો વ્યક્તિ ‘ક્ષમી’ બની રહે પછી આપમેળે સંતોષ પ્રગટે. સંતોષ સ્થાપિત થતાં અંત:કરણનું પ્રત્યેક સ્વરૂપ શાંત થાય અને સત્ય-યુક્ત સૃષ્ટિના સિદ્ધાંત તરફ નજર જાય. સત્ય જાણમાં આવતાં, સત્ય પ્રતિત થતાં, સત્યનો અનુભવ થતાં બધી જ ફરિયાદો જાણે દૂર થઈ જાય. 

પછી શું પ્રાપ્ત થયું કે શું ગુમાવ્યું, શેનો લાભ થયો અને ક્યાં નુકસાન થયું, શું યોગ્ય જણાતું હતું અને શું અયોગ્ય જણાતું ઘટીત થયું, ક્યાં ન્યાયનું અસ્તિત્વ જણાવ્યું અને ક્યાં અન્યાયનો સ્વીકાર જરૂરી બન્યો - તે બધું જ અસાંદર્ભિક બની રહે. પછી કોઈ પ્રકારનું લગાવ કે આગ્રહ બાકી ન રહે. પછી કોઈ પ્રકારની કામના કે અપેક્ષા શેષ ન વધે. પછી જાણે કે ‘હું અને મારું’ની સ્થિતિ જ ઉત્પન્ન ન થાય. સંતુષ્ટ રહેવા માટે, સંતુષ્ટી સ્થાપિત થાય તે માટે આ ભૂમિકા બહુ જ મહત્ત્વની છે.

ક્ષમા અને સંતુષ્ટી વચ્ચેનું સમીકરણ અદ્ભુત છે. કોઈપણ પરિસ્થિતિ પૂર્ણત: ‘ઈચ્છાનુસાર’ની નથી હોતી. તેથી જ સંતુષ્ટી શબ્દ ગીતામાં ‘ક્ષમી’ શબ્દ આવે છે.