Mon May 25 2026

Logo

Stock Market Rally: આ ત્રણ કારણથી શેર બજાર બન્યું રોકેટ, ટ્રમ્પ સાથે પણ છે કનેક્શન

59 minutes ago
Author: mumbai samachar team
Article Image

મુંબઇઃ ભારતીય શેરબજાર અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે ખુલતાની સાથે જ  તેજીમય નજરે પડી રહ્યું છે અને બંને ઈન્ડેક્સ તોફાની તેજી સાથે ઓપનિંગ કર્યા પછી રોકેટની ગતિએ ભાગતા જોવા મળી રહ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરોવાળો સેન્સેક્સ ખુલતાની સાથે જ 800થી વધુ પોઈન્ટના ધુઆંધાર ઉછાળા સાથે 76,000ની સપાટી વટાવી ગયો છે. તો બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ઈન્ડેક્સ પણ સેન્સેક્સ સાથે કદમ મિલાવીને આશરે 250 પોઈન્ટના જોરદાર વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો.

ખાસ વાત એ છે કે, ઓઈલ કંપનીઓએ દેશમાં સતત ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો ઝટકો આપ્યો છે, તેમ છતાં વૈશ્વિક કારણોને લીધે બજાર તેજીની રફતાર પકડી રાખવામાં સફળ રહ્યું છે.

શેરબજારમાં તેજીના ત્રણ કારણો

સોમવારે શેરબજારની આ ધમાકેદાર તેજી પાછળના મોટા કારણો વિશે વાત કરીએ, તો એક નહીં પણ ત્રણ-ત્રણ કારણો છે અને આ કારણોનો સીધો સંબંધ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ છે. વાસ્તવમાં, અમેરિકી રાષ્ટ્રપ્રમુખે ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા અને વિશ્વની તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'હોર્મુઝ સ્ટ્રેટ' (હોર્મુઝની સામુદ્રધુની)ને ટૂંક સમયમાં જ ફરીથી ખોલવાના સંકેતો આપ્યા છે.

બજારનું સેન્ટિમેન્ટ (વલણ) બદલાવા પાછળનું બીજું કારણ પણ આની સાથે જ જોડાયેલું છે. ટ્રમ્પ દ્વારા ઈરાન-અમેરિકા વચ્ચે સમાધાનના જે સંકેતો મળ્યા, તેની સૌથી મોટી અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી છે. આ વૈશ્વિક તણાવ વચ્ચે ક્રૂડની વધતી કિંમતો આખી દુનિયાને ડરાવી રહી હતી અને મોંઘવારી વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી. સોમવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ (Brent Crude Price) 100 ડોલરની નીચે આવી ગયા, જેનાથી મોંઘવારી ઘટવાની આશા મજબૂત થઈ છે.

ત્રીજું કારણ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ (વ્યાપાર સમજૂતી) પર આવેલું અપડેટ છે. વાસ્તવમાં, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું છે કે, 'ઈન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ' (India-US Trade Deal)ને ટૂંક સમયમાં જ આખરી ઓપ આપવામાં આવી શકે છે. આ સમજૂતી બંને દેશો માટે ફાયદાકારક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે રુબિયો હાલ ચાર દિવસના ભારત પ્રવાસે છે.