Mon May 25 2026

Logo

ભારત રિટેલ ફુગાવો સારી રીતે નિયંત્રિત રાખવાની સ્થિતિમાં, રિઝર્વ બૅન્કે વ્યાજદર જાળવી રાખવા જોઈએઃ એસોચેમ

1 day ago
Author: Ramesh Gohil
Article Image

RBI


નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની ભૂરાજકીય કટોરટીને કારણે પુરવઠાચેઈન વિક્ષેપિત થતાં ક્રૂડતેલના ભાવ વધી આવતા વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની ચિંતા સપાટી પર આવી છે. જોકે, ટોચનાં 10 અર્થતંત્રો પૈકી ભારત રિટેલ ફુગાવો સારી રીતે નિયંત્રિત રાખવાની સ્થિતિમાં હોવાનું ઔદ્યોગિક સંગઠન એસોચેમે તાજેતરમાં જણાવ્યું હતું. વધુમાં સંગઠને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાને આગામી જૂન મહિનાની નીતિવિષયક બેઠકમાં નિકાસલક્ષી અને એનર્જીલક્ષી એમએસએમઈ માટે પ્રવાહિતા લાવવાની સાથે ઈન્ટરેસ્ટ સબ્વેન્શન અને લોન માફી જેવાં પગલાંની અને વ્યાજદરમાં જૈસે થેની સ્થિતિ જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.

નોંધનીય બાબત એ છે કે ગત ફેબ્રુઆરી, 2026માં ભારતમાં ફુગાવાનો દર જે 3.2 ટકા હતો તે એપ્રિલ, 2026માં 0.3 પર્સન્ટેજ પૉઈન્ટ વધીને 3.5 ટકાના સ્તરે રહ્યો હતો. જે નોંધપાત્ર સારી કામગીરી કહી શકાય, કેમ કે અમેરિકામાં ગત ફેબ્રુઆરી, 2026માં ફુગાવો જે 2.4 ટકાના સ્તરે હતો તે એપ્રિલ, 2026માં 1.4 ટકા વધીને 3.8 ટકાના સ્તરે રહ્યો હોવાનું એસોચેમના પ્રમુખ નિર્મલ મિન્ડાએ જણાવતા ઉમેર્યું હતું કે ભારતમાં ફુગાવો હજુ સૌમ્ય સ્થિતિ આસપાસ પ્રવર્તી રહ્યો છે તેથી અમે રિઝર્વ બૅન્કને આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાનારી નાણાનીતિની સમીક્ષાની બેઠકમાં રિપો રેટ યથાવત્‌‍ રાખવાનો અનુરોધ કર્યો છે. 

જોકે, ક્રૂડતેલના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા ફુગાવામાં થોડો વધારો થવાની શક્યતા નકારી ન શકાય. અમને આશા છે કે ફુગાવામાં વધારાનો આ તબક્કો અસ્થાયી હશે અને ટૂંક સમયમાં પુનઃ સૌમ્ય સ્થિતિમાં આવશે. હાલના સમયે રિપો રેટમાં કોઈપણ વધારો બિઝનૅસના સેન્ટિમેન્ટ અને દેશની માગ પર માઠી અસર પાડી શકે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આગામી 26મી મેના રોજ પાંચ અબજ ડૉલરના બાય-સેલ સ્વેપ ઑક્શન કરવાના રિઝર્વ બૅન્કના નિર્ણયને અમે આવકારીએ છીએ. આ પગલાંથી બૅન્કિંગ યંત્રણામાં લાંબાગાળાની પ્રવાહિતા લાવી શકાય અને વિદેશી હૂંડિયામણની અનામતને પણ મજબૂત કરી શકાશે. અમારા મતે ઉપરોક્ત પગલાં વૈશ્વિક દબાણ, ભૂરાજકીય તણાવ અને ક્રૂડતેલના ભાવના આંચકાથી તાજેતરમાં રૂપિયામાં થયેલા ધોવાણ વચ્ચે પ્રવાહિતાની સ્થિતિનું સંચાલન કરવામાં અને રૂપિયામાં સ્થિરતા લાવવા મદદરૂપ થશે, એમ તેમણે ઉમેર્યું હતું.