Mon May 25 2026

Logo

આસામ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું UCC બિલ, CM હિમંતાએ પહેલા જ કરી હતી જાહેરાત

1 hour ago
Author: Vimal Prajapati
Article Image

દિસપુરઃ આસામની રાજનીતિમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની સરકારે આજે આસામ વિધાનસભાના પટલ પર UCC (Uniform Civil Code 2026) બિલ રજૂ કરી દીધું છે. કેબિનેટે લીલી ઝંડી આપ્યા બાદ આ બિલને સદનમાં લાવવામાં આવ્યું છે. આ મોટા પગલા સાથે આસામ હવે ઉત્તરાખંડ અને ગુજરાત પછી યુસીસી દિશામાં આગળ વધનાર ત્રીજું ભાજપ શાસિત રાજ્ય બની ગયું છે.

શું છે આસામના UCC બિલનો મુખ્ય હેતુ?

આસામ વિધાનસભામાં રજૂ કરાયેલા આ સમાન નાગરિક સંહિતા વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સુધારા લાવવાનો છે. આ બિલની મુખ્ય જોગવાઈઓની વાત કરવામાં આવે તો,  રાજ્યમાં એકથી વધુ લગ્ન કરવાની પ્રથા પર સંપૂર્ણ કાયદાકીય પ્રતિબંધ મૂકવો, લગ્ન માટે પુરુષોની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહિલાઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવશે. 

આ બિલનો વિપક્ષી દળોના ધારાસભ્યોએ વિરોધ કર્યો

આસામ વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થતાંની સાથે જ વિપક્ષી દળોના ધારાસભ્યોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતાઓએ માંગ કરી છે કે આટલા મોટા કાયદાને લાવતા પહેલાં રાજ્યના તમામ હિતધારકો અને વિવિધ સમુદાયો સાથે વ્યાપક ચર્ચા-વિચારણા કરવી જોઈતી હતી. આસામ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઝાકિર હુસૈન સિકદરે રાજ્યમાં યુસીસીની જરૂરિયાત પર સવાલો ઉઠાવતા ગંભીર આક્ષેપો કર્યા છે. 

https://x.com/himantabiswa/status/2058787132626628970?s=20

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઝાકિર હુસૈન સિકદરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ બિલ ભાજપનો રાજકીય એજન્ડા છે. અમે પહેલા જ પૂછ્યું હતું કે આની શું જરૂર છે? આસામના તમામ પક્ષો સાથે પરામર્શ કરવો જોઈતો હતો, જે કરવામાં આવ્યો નથી. આનાથી આસામની જનતાને શું ફાયદો થશે? મૂળ વાત એ છે કે, અત્યારે UCC બિલ અંગે આસામમાં સરકાર અને વિપક્ષ આમને-સામને આવી ગઈ છે. 

ભાજપના ધારાસભ્ય વિસ્વજીત ડિમરીએ આ અંગે શું કહ્યું?

બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપ આ બિલને વહેલી તકે લાગુ કરવાના મૂડમાં છે. ભાજપના ધારાસભ્ય વિસ્વજીત ડિમરીએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ બિલને ચાલુ સત્રમાં જ રજૂ કરીને પસાર કરવામાં આવશે અને ત્યારબાદ તેને સમગ્ર રાજ્યમાં કાયદા તરીકે લાગુ કરી દેવાશે. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ 13 મેના રોજ જ જાહેરાત કરી દીધી હતી કે તેમની સરકાર 25 મેના રોજ સદનમાં આ બિલ લાવશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આસામ સરકાર યુસીસી કાયદો લાવવાની પોતાની પ્રતિબદ્ધતા પર મક્કમ છે. હવે તેના પર અમલ થઈ રહ્યો હોવાનું સાબિત થઈ રહ્યું છે