Mon May 25 2026

Logo

વિરાટ કોહલીના ચાહકોએ હદ વટાવી, ટ્રેવિસ હેડની વાઇફ સાથે ઓનલાઇન ગેરવર્તન, આપી ગાળો

41 minutes ago
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર થતા વિવાદો ક્યારેક ત્યારે પર્સનલ બની જાય છે જ્યારે ફેન્સ તેમાં કૂદી પડે છે. તાજેતરમાં IPLમાં વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેચ પૂર્ણ થયા પછી જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક ઓપનર હેડે આરસીબી (RCB)ના દિગ્ગજ ખેલાડી વિરાટ સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે વિરાટે તેને ઈગ્નોર કર્યો હતો. આ ઘટનાને કારણે કેટલાક લોકોએ ખેલ ભાવના એટલે કે  સ્પોર્ટ્સમેન સ્પિરિટ ન દાખવવા બદલ વિરાટ કોહલીની ટીકા કરી હતી, તો કેટલાકે તેને સપોર્ટ પણ કર્યો હતો.

આ સમગ્ર મામલે હવે ટ્રેવિસ હેડની વાઈફ જેસિકાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિરાટ અને હેડના વિવાદમાં ફેન્સે જેસિકાને પણ વચ્ચે લાવી દીધી હતી. હેન્ડશેકના વિવાદ પછી જેસિકાને ઓનલાઈન ટ્રોલિંગ અને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો, જે ખૂબ જ નિંદનીય છે. જેસિકાએ જણાવ્યું કે SRH અને RCB વચ્ચેની મેચ બાદ માત્ર તેને જ નહીં, પરંતુ તેના મિત્રો અને પરિવારના સભ્યોને પણ હેટફૂલ કમેન્ટ્સ (દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ) અને પ્રાઈવેટ મેસેજ મોકલવામાં આવ્યા હતા.

વિશ્વકપ 2023માં પણ જેસિકાએ ટ્રોલિંગનો સામનો કર્યો હતો

જેસિકાએ જણાવ્યું કે, IPL 2026ની આ ઘટના તેમને વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ પછી થયેલા દુર્વ્યવહારના પુનરાવર્તન જેવી લાગી રહી છે. જેસિકા કહ્યું, "જ્યારે હું સવારે જાગી ત્યારે મારું સોશિયલ મીડિયા આવા મેસેજથી ભરાયેલું હતું... હું તો, પરંતુ તેઓ મારા મિત્રો અને પરિવારને નિશાન બનાવી રહ્યા છે." જેસિકાએ એવો પણ ખુલાસો કર્યો હતો કે, આવો જ દુર્વ્યવહાર ત્યારે પણ થયો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાએ 2023ની વનડે વર્લ્ડ કપ ફાઇનલ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ અને 2024ની બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ભારતને હરાવ્યું હતું.

વિરાટ કોહલી અને હેડ વચ્ચેની લડાઈ કેવી રીતે શરૂ થઈ?

આરસીબી (RCB) અને હૈદરાબાદની મેચમાં ટ્રેવિસ હેડની વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલીએ ખૂબ જ એગ્રેસિવ (આક્રમક) અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. ત્યારબાદ જ્યારે બેંગલુરુની બેટિંગ ચાલી રહી હતી ત્યારે તેના જવાબમાં ટ્રેવિસ હેડે વિરાટને એટેકિંગ શોટ (આક્રમક શોટ) રમવા માટે ઈશારો કર્યો હતો. આ ઘટના બાદ બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.