Mon May 25 2026

Logo

કલ્યાણમાં શસ્ત્રના ઘા ઝીંકી યુવકની હત્યા: ત્રણ જણની ધરપકડ

1 day ago
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં વિવાદને કારણે 30 વર્ષના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવા બદલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.કલ્યાણ તાલુકાના મ્હારલગાંવ વિસ્તારમાં શુક્રવારે રાતે નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને પોલીસે કલાકો બાદ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

મૃતકની ઓળખ રવીન્દ્ર ઉર્ફે પિંટ્યા ઉર્ફે ડોક્યા યશવંત આહિરે તરીકે થઇ હોઇ તેને શુક્રવારે રાતના આરોપી દીપક સુખદેવ ડાંગે, વિજય ભીડે અને પરશુરામ ભીડેએ ઘેરી લીધો હતો, એમ કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મૂકેશ ધાગેએ કહ્યું હતું.રવીન્દ્ર આહિરે અને દીપક ડાંગે વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને રવીન્દ્રએ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું.

આની જાણ થતાં ડાંગે રોષે ભરાયો હતો અને તેણે બે સાથીદાર સાથે મળીને રવીન્દ્રને આંતર્યો હતો અને તેના પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા, જેમાં ગંભીર ઇજાને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.દરમિયાન રવીન્દ્રના ભાઇએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા) અને 61 (2) (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો દાખલ કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)