Mon May 25 2026

Logo

Twisha Sharma Case: ગિરિબાલા સિંહે ટ્વિશાની પ્રતિષ્ઠા ખરડવાની કોશિશ કરી, CBI જલદી તપાસ શરુ કરશે

1 hour ago
Author: mumbai samachar team
Article Image

ભોપાલઃ ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે (CJI Surya Kant) અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી. આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, 'માતા-પિતા માટે ડરેલી દીકરી કરતાં છૂટાછેડા લીધેલી દીકરી વધુ સારી હોય છે.' બીજી તરફ, સીજેઆઈ સૂર્યકાંતે પણ આ મામલે નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે અદાલત કોઈપણ પ્રકારના ઊભા કરવામાં આવી રહેલા 'નેરેટિવ' ની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ સોલિસિટર જનરલ તુષાર મહેતાને નિર્દેશ આપ્યો કે સીબીઆઈ (CBI) આજે જ ટ્વિશા શર્માના અકુદરતી મોતના મામલાની તપાસ શરૂ કરે.

સુપ્રીમ કોર્ટે આ મામલાને અત્યંત સંવેદનશીલ ગણાવતા કહ્યું કે, ટ્વિશા શર્માનું મોત 'દુર્ભાગ્યપૂર્ણ અને અકુદરતી' સંજોગોમાં થયું છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે અત્યારે સૌથી મોટો મુદ્દો તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે થાય તે છે. આ જ કારણે કોર્ટે કેસની તપાસ સીબીઆઈ (CBI)ને સોંપવાની દિશામાં સહમતી દર્શાવી છે.

‘સાસુ ગિરિબાલા સિંહે ટ્વિશાની પ્રતિષ્ઠાને ખરડવાની કોશિશ કરી’

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું કે, સંબંધિત જજ (ટ્વિશાની સાસુ ગિરિબાલા સિંહ) એ મીડિયાને ઇન્ટરવ્યુ આપીને મૃતક વિરુદ્ધ ટિપ્પણી કરી અને તેની પ્રતિષ્ઠા ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આવા જાહેર નિવેદનો ન્યાયિક પ્રક્રિયા અને તપાસની નિષ્પક્ષતાને અસર કરી શકે છે.

મીડિયાને પણ આપી શિખામણ

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મીડિયા કવરેજ અંગે પણ સલાહ આપી છે. કોર્ટે કહ્યું કે પીડિતો અને આરોપીઓના નિવેદનો પ્રકાશિત કરવામાં સંયમ જાળવવામાં આવે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, "કેટલીક કાર્યવાહીના કારણે અમને થોડી પીડા થઈ છે. અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે તેઓ પીડિતોના પરિવાર કે અન્ય પરિવારના નિવેદનો પાછળ ન પડે. તમામ બાબતોને કાયદા અને પ્રક્રિયા અનુસાર ચાલવા દેવામાં આવે."