Mon May 25 2026

Logo

RMCની બેવડી નીતિ: ગરીબો પર બુલડોઝર, મોટા માથાઓને છાવરવાનો ખેલ

51 minutes ago
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ  TRP ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટનાને બે વર્ષ થયા છે. CM-ગૃહમંત્રીને પીડિત પરિવાર દ્વારા 14 મુદ્દા લેખિતમાં અપાયા છે પરંતુ એકપણ મુદ્દાનું હજુ સુધી અમલીકરણ થયું નથી. આ ઘટના બાદ પણ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. રાજકોટ શહેર કૉંગ્રેસના ઉપપ્રમુખ સંજયભાઈ લાખાણી અને મહામંત્રી કૃષ્ણદતભાઈ રાવલે RMCના ટાઉન પ્લાનિંગ (T.P.) વિભાગની બેવડી નીતિ અને ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા.  

રાજકોટ શહેર કૉંગ્રેસ મુજબ, મહાનગર પાલિકાના T.P. વિભાગ દ્વારા ચાલતા ભ્રષ્ટાચાર તથા મનસ્વી રીતે કાયદાનું અર્થઘટન કરતા હોવાને લીધે રાજકોટની જનતાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેનું ઉદાહરણ થોડા સમય પહેલા મોટા પ્રમાણમાં ડીમોલીશન કરવામાં આવ્યું હતું, તે બધા મકાનો નાના મધ્યમ વર્ગ તથા ગરીબ લોકોના હતા. જેમાં કોઈ રહેવાવાળું ના હોય તથા સરકારમાં બેઠેલો કોઈ અધિકારી કે મોટો નેતા જનતાનો અવાજ નથી બનેલ હોવાને લીધે મેગા ડીમોલીશન કરવામાં આવેલ. પરંતુ, તેથી જ બીજી બાજુ રાજકોટના માધાપર ચોકડી પર આવેલી 'ક્રિસ્ટલ નેકસસ' બિલ્ડીંગ જે ગેરકાયદેસર હોવા છતાં, તે બિલ્ડીંગને બચાવવા GDCR તથા T.P. વિભાગ અને કમિશનરના અધિકારીઓ દ્વારા કોઈપણ નિયમનું પાલન કરવામાં નથી આવતું.

T.P. વિભાગના અધિકારીઓ તે બિલ્ડીંગને કોઈપણ કાયદાકીય બાબતે બચાવવા માટેના રસ્તાઓ કાઢવામાં જાણે કામે લાગ્યા છે. તે બિલ્ડીંગને ઈમ્પેક્ટનો કાયદો હોય કે સામાન્ય પ્લાન પાસ કરાવવાના કાયદા હોય, તેને કોઈપણ જાતના નિયમાનુસાર પાલન કરાવવામાં આવતું નથી તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગનો પ્લાન તા. ૨૦/૦૯/૨૦૨૨ ના રોજ રજૂ કર્યા બાદ આજદિન સુધી તે પ્લાન મંજૂર કરવામાં નથી આવ્યો કે નામંજૂર કરવામાં નથી આવ્યો. GDCR ના નિયમો અનુસાર કોઈપણ બિલ્ડીંગ પ્લાન મંજૂરી માટે રજૂ કરવામાં આવે, તો તેને નિયમો અનુસાર સ્પષ્ટ સમયમર્યાદામાં મંજૂર/નામંજૂર કરવા માટે સ્પષ્ટ નિયમ હોવા છતાં આ બિલ્ડીંગના બચાવ માટે કોઈ સમયમર્યાદા લાગુ પાડવામાં આવતી નથી.

આ પ્લાનમાં T.P. વિભાગ દ્વારા નિયમોનો ઉલાળીયો કરીને ખોટો વધારે સમય આપવામાં આવે છે. જે સાબિત કરે છે કે આ બિલ્ડીંગ પ્લાનમાં કંઈક વધારે ખોટું છે. જે સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકે તેમ ના હોય તથા બિલ્ડીંગના માલિક પોતે મોટા વગવાળા હોય તેથી સામે T.P. વિભાગના અધિકારીઓ મિયાંની મીંદડી બનીને ચુપ થઈને જોયા કરે છે. તેથી સામે નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યા છે.

ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગ ને RMC કમિશનર દ્વારા ૧૪/૦૫/૨૦૨૫ ના રોજ સીલ મારવા માટેની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હોવા છતાં, T.P. વિભાગના અધિકારીઓ કોઈને કોઈ બહાના કાઢીને આજ દિવસ સુધી તે ગેરકાયદેસર બાંધકામની સામે કોઈ કાર્યવાહી કરતા નથી. તેમજ તે બિલ્ડીંગને કેમ કાયદાકીય જોગવાઈઓની સામે બચાવવું તેવી કામગીરી કરે છે. જો કોઈ નાના કે ગરીબનું બિલ્ડીંગ કે મકાન હોત તો T.P. વિભાગના અધિકારીઓ પોતાને સુપર પાવર ગણીને તેવા મકાનો તોડવા પહોંચી ગયા હોત, પરંતુ આ બિલ્ડીંગ એક મોટા માથાનું હોવાથી T.P. વિભાગ તથા કમિશનર પોતાને લાચાર અને બિચારા ગણીને મૌન ધારણ કરીને બેસી ગયા છે.

ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગને બચાવવા માટે T.P. વિભાગના અધિકારીઓ માહિતી ન આપે કે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાની કામગીરી કરે છે. જેમ RMC કમિશનરએ તે બિલ્ડીંગને સીલ મારવાના આદેશની સામે આ ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગ (GRUDA) માં આવતી હોય છે, તેથી તેનો નિર્ણય ના આવે ત્યાં સુધી આગળની કાર્યવાહી કેમ કરવી, તેવા ખોટા ઉપજાવી કાઢેલ મુદ્દાઓ લાવી બિલ્ડીંગની સામે કાયદેસરની કાર્યવાહી કરતા નથી.

ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગને બચાવવા માટે ખોટી વિગતો ઉભી કરે છે. કે બિલ્ડીંગનો સામાન્ય પ્લાન જે ૨૦૨૨ માં રજૂ કરેલ છે, તેમાં કોઈ નિર્ણય ના હોય અને આજ દિન સુધી તેને મંજૂર કરેલ ના હોય તથા તે ગેરકાયદેસર ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગને (B.U.) કમ્પ્લીશન આપવામાં આવ્યું ના હોય, તેમ છતાં તે બિલ્ડીંગ પ્લાનને ખોટી રીતે ઈ.નં. ૧૮૨૬/૨૦૨૩ થી ઈમ્પેક્ટમાં પ્લાન રજૂ કર્યાનો ઉલ્લેખ કરે છે. સામાન્ય રીતે કોઈપણ બિલ્ડીંગનો પ્લાન પહેલા મંજૂર થાય, પછી તેમાં ગેરકાયદેસરનું વધારાનું જે પ્લાનમાં ના બતાવવામાં આવ્યું હોય, તેવું બાંધકામ ને જ ઈમ્પેક્ટમાં મંજૂર કરાવી શકાય. પરંતુ ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગના કેસમાં નિયમોનું પાલન કરાવવાની T.P. વિભાગના અધિકારીઓની ઈચ્છા અને દાનત નથી.