Mon May 25 2026

Logo

ગુજરાતના કયા સાંસદે 16 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 80 લાખ જ વાપર્યા?

1 hour ago
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ લોકસભાના સાંસદોને મેમ્બર ઑફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ દર વર્ષે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ રકમથી 5 વર્ષના કાર્યકાળ દરમિયાન આશરે 25 કરોડ જેટલી રકમના વિકાસ કાર્યોની ભલામણ કરવામાં આવે છે.  જોકે ગુજરાતના સાંસદો તેમને મળતી ગ્રાન્ટમાંથી  ખૂબ ઓછો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 26 સાંસદોને રૂપિયા 384 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તેમાંથી માત્ર 82.87 કરોડ જ ખર્ચ્યા છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાને 16.04 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તે પૈકી માત્ર 80 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.  આ ઉપરાંત ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ તેમને મળેલી 14.70 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 41.47 લાખનો જ ખર્ચ કર્યો છે.

સૌથી વધુ ગ્રાન્ટ વાપરનારા ટોચના 3 સાંસદ

18મી લોકસભાના 4 જૂને 3 વર્ષ થશે. આ દરમિયાન ગુજરાતના તમામ સાંસદોને ફાળવવામાં આવેલી કુલ ગ્રાન્ટમાંથી માત્ર 21 ટકાનો જ ઉપયોગ થયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમને મળેલી 14.70 કરોડની ગ્રાન્ટમાંથી સૌથી વધુ 5.75 કરોડ ખર્ચ કર્યા છે. તેમણે તેની કુલ ગ્રાન્ટના 39.13 ટકા રકમનો ઉપયોગ કર્યો છે.  બીજા ક્રમે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી છે. તેમણે કુલ 14.70 કરોડની ગ્રાન્ટમાંથી  5.57 કરોડ ખર્ચ કર્યો છે. અમરેલીના સાંસદ ભરત સુતરિયા ગ્રાન્ટ ખર્ચ કરવા મુદ્દે ત્રીજા ક્રમે છે. તેમણે 14.70 કરોડની ગ્રાન્ટમાંથી 5.08 કરોડ ખર્ચ કર્યા છે.

કોણે વાપરી સૌથી ઓછી ગ્રાન્ટ

સૌથી ઓછી ગ્રાન્ટ વાપરનારા સાંસદોમાં ગાંધીનગરના અમિત શાહ, અમદાવાદ પૂર્વના દિનેશ મકવાણા, અમદાવાદ પશ્ચિમના હસમુખ પટેલ, જામનગરના પૂનમ માડમ, દાહોદના જસવંતસિંહ ભાભોર, પંચમહાલના રાજપાલસિંહ જાદવ, બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરનો સમાવેશ થાય છે. આ સાંસદોએ તેમને મળેલી ગ્રાન્ટમાંથી અનુક્રમે  41.47 લાખ, 80 લાખ, 1.53 કરોડ, 1.54 કરોડ, 1.61 કરોડ, 1.77 કરોડ અને 1.95 કરોડ ખર્ચ કર્યા છે.

પૂર્વોત્તરના સાંસદોએ વાપરી સૌથી વધુ ગ્રાન્ટ

રાજ્યના 12 સાંસદોએ 20 ટકાથી પણ ઓછી રકમ ખર્ચી છે. ગ્રાન્ટની રકમનો સરેરાશ સૌથી વધુ ઉપયોગ કરનારા રાજ્યોમાં ગુજરાત 20માં સ્થાને છે. પૂર્વોત્તરના સાંસદોએ તેમને ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો સૌથી વધુ ઉપયોગ કર્યો હતો. નાગાલેન્ડના સાંસદોએ તેમને મળેલી ગ્રાન્ટનો 64.70 ટકા ઉપયોગ કર્યો છે અને પ્રથમ ક્રમે છે. અરૂણાચલ પ્રદેશના સાંસદોએ 62.80 ટકા, સિક્કિમના સાંસદોએ 62.30 ટકા, મેઘાલયના સાંસદોએ 61.60 ટકા, મિઝોરમના સાંસદોએ  58.40 ટકા ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે.

સાંસદ માત્ર કામની ભલામણ કરે છે

સાંસદ દ્વારા માત્ર કામની ભલામણ કરવામાં આવે છે. ખર્ચ અને ટેન્ડર પ્રક્રિયા જિલ્લા કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સંબંધિત સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પલિમેન્ટેશન દ્વારા યોજનાની દેખરેખ રાખવામાં આવે છે.