મુંબઈઃ બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના અભિનીત આગામી ફિલ્મ "કોકટેલ 2" ખૂબ જ ચર્ચામાં છે. દર્શકો આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે, અને દર્શકોનો ઉત્સાહ જાળવવા માટે નિર્માતાઓ ફિલ્મના પોસ્ટર અને ગીતો એક પછી એક રિલીઝ કરી રહ્યા છે. "જબ તલક" અને "માશુકા" જેવા ગીતોની સફળતા પછી નિર્માતાઓએ હવે આ રોમેન્ટિક-ડ્રામા ફિલ્મનું ત્રીજું ગીત તુઝ કો... રિલીઝ કર્યું છે. આ સુંદર રોમેન્ટિક ટ્રેક તેની ખાસ ધૂનને કારણે રિલીઝ થતાં જ પ્રેક્ષકોમાં હિટ થઈ ગયું છે.
આ નવા ગીત તુઝ કોમાં શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના છે. આ પહેલાના ગીતમાં દર્શકોએ શાહિદ અને કૃતિ સેનનની જોડી જોઈ છે, જે લોકોને ખુબ પસંદ આવી હતી. ત્યારે આ નવા ગીતમાં શાહિદ અને રશ્મિકાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી પણ એટલી જ પ્રભાવશાળી અને આકર્ષક લાગે છે.
ગીતમાં રશ્મિકાની સાદગી અને શાહિદનો ગંભીર અંદાજ એકબીજાને પૂરક બનાવે છે. સંગીતકાર પ્રીતમે આ રોમેન્ટિક ટ્રેકને ઉત્કૃષ્ટ ધૂનથી કમ્પોઝ કર્યો છે, જેને લોકપ્રિય ગાયક અરિજિત સિંહે પોતાનો જાદુઈ અવાજ આપ્યો છે. જાણીતા ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યએ સુંદર ગીતો લખ્યા છે.
હોમી અદજાનિયા દ્વારા દિગ્દર્શિત "કોકટેલ 2" એક રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ છે. તે 2012ની સુપરહિટ બોલિવૂડ ફિલ્મ "કોકટેલ"ની સ્પિરિચ્યુઅલ સિક્વલ છે. 'મેડોક ફિલ્મ્સ' અને 'લવ ફિલ્મ્સ'ના બેનર હેઠળ દિનેશ વિજન, લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત, આ ફિલ્મ આજના સમયના આધુનિક સંબંધો, પ્રેમ અને મિત્રતાના તાણાવાણાને નવા દ્રષ્ટિકોણ સાથે રજૂ કરે છે.
ફિલ્મના ગીતો પ્રીતમે કમ્પોઝ કર્યા છે અને તેનું શૂટિંગ સિસિલી (ઇટાલી), દિલ્હી અને ગુરુગ્રામના સુંદર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 19 જૂન, 2026ના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.