Tue May 26 2026

Logo

શું તમે પણ પ્લાસ્ટિક પેકિંગવાળો ખોરાક ખાઓ છો? તો તમારા જમવામાં ભળી રહ્યું છે ઝેર!

1 hour ago
Author: Devayat Khatana
Article Image

પ્લાસ્ટિકનો ઉપયોગ એ પર્યાવરણ માટે એક મોટી સમસ્યા છે. ત્યારે પ્લાસ્ટિકને એક વાર ઉપયોગ કર્યા પછી ફેંકી દેવાને બદલે તેને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવાની આ પદ્ધતિને આપણે વખાણીએ છીએ અને રિસાયકલ કરીને તે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે જમવાની વસ્તુના પેકિંગમાં કરતાં હોઇએ છીએ પરંતુ જ્યારે આ રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કડક નિયમો અને માર્ગદર્શિકા વિના ફૂડ પેકેજિંગમાં કરવામાં આવે છે, ત્યારે તે ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય જોખમો વધારી શકે છે.  

તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) એ પણ તેના નવા અહેવાલમાં ફૂડ પેકેજિંગ તરીકે રિસાયકલ પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અંગે ચેતવણી આપવામાં આવી  છે. જ્યારે રિસાયકલ પ્લાસ્ટિક પર્યાવરણીય દ્રષ્ટિકોણથી એક ઉત્તમ વિકલ્પ છે, ત્યારે ફૂડ પેકેજિંગ તરીકે તેની સલામતીએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.

આપણી બદલાતી જીવનશૈલી સાથે રોજીંદી જિંદગીમાં પેકેજ્ડ ફૂડનો વપરાશ ઝડપથી વધ્યો છે. ચિપ્સ, ઠંડા પીણાં, તૈયાર ભોજન, મીઠાઈઓ અને જ્યુસની બોટલો હવે લગભગ આપણાં દરેકના ઘરનો ભાગ બની ગઈ છે. સુવિધા અને સમય બચતને કારણે, આ ઉત્પાદનોની માંગ ઝડપથી વધી છે, જેના કારણે ફૂડ પેકેજિંગ બજારનું ખૂબ જ ઝડપથી વિસ્તરણ થયું છે. આવા પેકેટ ખાદ્ય ચીજ વસ્તુઓને સાચવવા અને સારું રાખવા માટે ખૂબ ઉપયોગી થાય છે. 

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે  આજે 10 ટકાથી પણ ઓછો પ્લાસ્ટિક કચરો રિસાયકલ થાય છે. આવનારા વર્ષોમાં દેશો અને કંપનીઓ પર્યાવરણનું રક્ષણ કરવા માટે પ્લાસ્ટિકના રિસાયક્લિંગ તરફ આગળ વધશે ત્યારે આ હિસ્સો વધશે. પરંતુ પ્રશ્ન એ રહે છે: શું આ પ્લાસ્ટિક આપણા વપરાશ માટે સલામત છે? તો તેના જવાબમાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રિસાયકલ પ્લાસ્ટિકના પ્રથમ ઉપયોગ દરમિયાનજો તેને સારી રીતે સાફ ન કરવામાં આવે તો તેમાં રહેલા રસાયણો, અશુદ્ધિઓ અથવા ઝેરી તત્વો ખોરાકમાં ભળી શકે છે. આનો અર્થ એ છે કે પેકેજિંગ પોતે જ ધીમે ધીમે ખોરાકમાં ઝેરી રસાયણો છોડી શકે છે.

જો કે રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માત્ર રિસાયકલ પ્લાસ્ટિક જ નહીં, પરંતુ મકાઈ, શેરડી  જેવા છોડમાંથી બનેલા નવા બાયોપ્લાસ્ટિક્સ પણ સંપૂર્ણપણે સલામત નથી. આમાં ખેતી દરમિયાન વપરાતા જંતુનાશકો, કુદરતી ઝેર હોઈ શકે છે. વધુમાં, કેટલાક નવા પેકેજિંગમાં નેનોમટીરિયલ્સ જેવા નવા રસાયણો ઉમેરી રહ્યા છે, જેની અસરો હજુ સુધી સંપૂર્ણપણે જાણી શકાય નથી.

અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે ખાદ્ય પેકેજિંગમાં વપરાતું પ્લાસ્ટિક દર ખોરાક અને પીણાંમાં વર્ષે આશરે 1,100 ટન માઇક્રોપ્લાસ્ટિક  મુક્ત કરે છે. આ આંકડો ખૂબ જ  ચિંતાજનક છે કારણ કે લોકો રોજિંદા પેકેજિંગ દ્વારા આ સૂક્ષ્મ પ્લાસ્ટિક કણોના સીધા સંપર્કમાં આવે છે. 

નોંધ: અત્રે આપવામાં આવેલી માહિતી અહેવાલોના આધારે આપવામાં આવી છે, જેનું મુંબઈ સમાચાર સમર્થન કરતું નથી.