Mon May 25 2026

Logo

ડોન-3નો વિવાદ: રણવીર સિંહ પર પ્રતિબંધ લદાશે?

1 hour ago
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: ‘ડોન-3’ ફિલ્મને લઇ અભિનેતા રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ચાલી રહેલો વિવાદ નવો વળાંક લઇ રહ્યો છે. આ પ્રોજેક્ટમાંથી રણવીર ખસી જતાં ફરહાને તેની સામે કાનૂની પગલાં લીધાં છે અને આ બાબતે એફડબ્લ્યુઆઇસીઇ (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ)માં રણવીર વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ કરી છે. હવે ફેડરેશને ઔપચારિક રીતે આ બાબતે નિર્ણય લીધો છે. રણવીર આ ફિલ્મનો મુખ્ય અભિનેતા હતો અને બાદમાં એવી અટકળો વહેતી થઇ હતી કે તેના અને ફરહાન વચ્ચેના વિવાદને કારણે આ પ્રોજેકટને અભેરાઇ પર ચડાવી દેવામાં આવ્યો છે. 

ફેડરેશને રણવીર સિંહ સામે અસહકાર બાબતે નિર્દેશ જારી કર્યા છે અને આનાથી અભિનેતાને અસરકારક રીતે પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે ભાગીદારી ન કરવાના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. ગયા સપ્તાહે આ બાબતનું અવલોકન કર્યા બાદ સોમવારે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. 

એક વેબસાઇટના જણાવ્યા મુજબ ફેડરેશનના ચીફ એડવાઇઝર અશોક પંડિતે આ પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણાવીને ફિલ્મનું ચિત્રણ શરૂ થાય તે પહેલા પ્રોજેક્ટ છોડી દેવાના અભિનેતાઓના વલણની આકરી ટીકા કરી છે. પંડિતે રિતેશ સિધવાનીના બેનર (એક્સલ એન્ટરટેઇનમેન્ટ) હેઠળ ફરહાન અને રણવીર સિંહ વચ્ચે ચાલી રહેલા વિવાદનું નિરાકરણ કરતાં નોંધ્યું હતું કે ફેડરેશન આંતરિક બેઠક બાદ આ અંગે અંતિમ વલણ અપનાવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સિધવાનીની કંપની એક્સલ એન્ટરટેઇનમેન્ટે આ વિવાદને બંધ કરવા માટે ધુરંધર ફિલ્મ પછી ભારે ડિમાન્ડમાં રહેલા રણવીર પાસે 40 કરોડ રૂપિયા વળતરની માગણી કરી છે.