Mon May 25 2026

Logo

છૂટાછેડા પછી પણ સાથે દેખાયા એશા દેઓલ અને ભરત તખ્તાની, મિત્રો સાથે લંચ એન્જોય કરતા ફોટા વાયરલ

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ અભિનેત્રી હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલ ફરી એકવાર તેના અંગત જીવનને કારણે સમાચારમાં છે. તાજેતરમાં તે નજીકના મિત્રો સાથે એક કેઝ્યુઅલ લંચ પર જોવા મળી હતી, જ્યાં તેના ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાની પણ હાજર હતા. આ ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

અભિનેત્રી સ્મૃતિ ખન્નાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે અને તેના મિત્રો તેના પતિ સાથે લંચની મજા માણી રહ્યા છે. તેને કેપ્શનમાં લખ્યું હતું, "એક મસ્તીભરી બપોર અને શાનદાર ગપસપ... આભાર, ઇશા." જોકે, રકુલ પ્રીત સિંહ, ઝાયેદ ખાન અને મલ્જ  ખાન લંચમાં હાજર રહી શક્યા નહોતા, તેથી સ્મૃતિએ તેમને યાદ કર્યા. આ દરમિયાન, એશા અને ભરતના આ ફોટાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, આ પહેલી વાર નથી જ્યારે તેઓ સાથે જોવા મળ્યા હોય. તેઓ પહેલા પણ ઘણી વખત તેમના પરિવાર સાથે જોવા મળ્યા છે.

એશા દેઓલ અને ભરત તખ્તાનીના લગ્ન 2012માં થયા હતા. પાંચ વર્ષ પછી, 2017માં તેમની મોટી પુત્રી રાધ્યાનો જન્મ થયો. 2019માં તેમની બીજી પુત્રી મીરાયાનું સ્વાગત કર્યું હતું . જોકે, 12 વર્ષના લગ્નજીવન પછી 2024માં બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા. આમ છતાં, તેઓ ગાઢ મિત્રો છે અને તેમની દીકરીઓનો ઉછેર સાથે મળીને કરી રહ્યા છે.

તાજેતરના ઇન્ટરવ્યુમાં, એશાએ કો-પેરેન્ટીંગ વિશે કહ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે ગમે તેટલી સમસ્યાઓ હોય તેની અસર બાળકો પર ન થવી જોઈએ. ભલે સંબંધ તૂટી જાય, માતાપિતાએ હંમેશા તેમના બાળકોની પડખે ઊભા રહેવું જોઈએ. તે મુશ્કેલ છે, પરંતુ પ્રયાસ કરતા રહેવું જોઈએ.