Mon May 25 2026

Logo

પશ્ચિમ એશિયાની કટોકટી પશ્ચાત્‌‍ જાપાન, કોરિયા અને તાઈવાન ખાતે એલ્યુમિનિયમની નિકાસમાં સાધારણ વૃદ્ધિઃ હિન્દાલ્કો

1 hour ago
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય કટોકટી સર્જાયા બાદ પુરવઠાનો ખાંચરો સરભર કરતાં હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝની જાપાન, કોરિયા અને તાઈવાન ખાતે એલ્યુમિનિયમની નિકાસમાં સાધારણ વૃદ્ધિ થઈ છે. નોંધનીય બાબત એ છે કે કંપનીના એલ્યુમિનિયમના કુલ ઉત્પાદન પૈકી 70 ટકા ઉત્પાદનનો વપરાશ સ્થાનિકમાં થયા છે, જ્યારે નિકાસ હિસ્સો 25થી 30 ટકા જેટલો હોય છે. 

અમે મધ્યપૂર્વ ખાતે એલ્યુમિનિયમની નિકાસ નથી કરતાં કેમ કે મધ્ય પૂર્વથી એલ્યુમિનિયમની ચોખ્ખી નિકાસ થતી હોય છે, પરંતુ બજારમાંથી 25 લાખ ટન એલ્યુમિનિયમનો અવકાશ સર્જાવાથી જ એલ્યુમિનિયમના ભાવ ઊંચકાયા હોવાનું હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝનાં મેનેજિંગ ડિરેક્ટર સતીષ પૈ એ જણાવ્યું હતું. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હિન્દાલ્કોની કુલ નિકાસ પૈકી જાપાન, કોરિયા અને તાઈવાન ખાતે 90 ટકા નિકાસ થાય છે. સરકાર સક્રિયપણે કોપર, નિકલ અને લિથિયમ જેવાં મહત્ત્વના ખનીજોનાં બ્લોક્સ એક્લ્પ્લેર કરવા જણાવી રહી છે. એક વર્ષ પહેલા અમને કોપરનો એક બ્લોક મળ્યો હતો અને હવે અમે તેમાં ખનનના આગોતરા તબક્કામાં છીએ, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે કોપરનાં જો વધુ બ્લોક ઓફર કરવામાં આવશે તો અમે સક્રિયપણે બિડ કરશું અને એક્સ્પ્લોરેશનનું વિસ્તરણ કરશું. 

ભારત આગામી બે વર્ષમાં એલ્યુમિનિયમની જેમ કોપરની આયાત નિર્ભરતામાંથી મુક્ત થશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે કંપની સંભલપુર જિલ્લામાં આદિત્ય એલ્યુમિનિયમ કોમ્પ્લેક્સમાં ફ્લેટ રોલ્ડ પ્રોડક્ટ (એફઆરપી) એલ્યુમિનિયમ ઉત્પાદનનો એકમ સ્થાપશે અને આ વર્ષના અંત સુધીમાં આદિત્ય એફઆરપીની અછત એક ભૂતકાળ બની જશે. નોંધનીય બાબત એ છે જાન્યુઆરીમાં આદિત્ય એફઆરપી રોલિંગ સુવિધાની એક નવી બ્રાન્ડ છે.

વધુમાં કંપનીની અમેરિકા સ્થિત સબસિડિયરી નોવેલિ ઈન્કનું અમેરિકા ખાતે લિસ્ટિંગ બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમે હાલમાં નોવેલિસના ઓસ્વેગો એકમ પુનઃ પ્રારંભ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેને લગભગ 18 મહિના લાગશે. આ સિવાય બીજું કશું અમે હાલ વિચારી નથી રહ્યા, એમ તેમણે ઉમેર્યું હતું.