Mon May 25 2026

Logo

લિયોનેલ મેસીને ઈજા, વર્લ્ડ કપને માત્ર 16 દિવસ બાકી છે!

Miami   56 minutes ago
Author: Ajay Motiwala
Article Image

માયામીઃ અમેરિકાની સૌથી મોટી ફૂટબૉલ ટૂર્નામેન્ટ મેજર લીગ સૉકર (MLS)માં લિયોનેલ મેસીના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇન્ટર માયામી ટીમે ફિલાડેલ્ફિયા યુનિયનને 6-4થી હરાવ્યું એનો વિજેતા ટીમને આનંદ હતો, પણ કૅપ્ટન લિયોનેલ મેસીને એ મૅચમાં ઈજા નડી એ બદલ સાથી ખેલાડીઓ નિરાશ થયા હતા. એટલું જ નહીં, આર્જેન્ટિનાની ટીમ પણ ખૂબ ચિંતામાં હતી, કારણકે માત્ર 16 દિવસ બાદ ફિફા વર્લ્ડ કપ શરૂ થવાનો છે અને તેમનો સુપરસ્ટાર ખેલાડી મેસી ઈજા પામતાં ટીમની યોજનાને વિપરીત અસર થઈ છે.

2022ના ગયા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના ચૅમ્પિયન બન્યું હતું અને આ વખતે આ દક્ષિણ અમેરિકન ટીમ ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમવાની છે. જોકે મેસી (MESSI)ની ઈજાએ આર્જેન્ટિનાના સૉકરની રમતના મોવડીઓને ટેન્શનમાં મૂકી દીધા છે. 11મી જૂને અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે ફિફા વર્લ્ડ કપ યોજાશે.

વિશ્વ કપ માટે આર્જેન્ટિનાના 26 ખેલાડીઓની જાહેરાત હજી થઈ નથી. જોકે મેસીની ઈજાએ ટીમના કોચ લિયોનેલ સ્કૅલોની તથા અન્ય કોચિંગ સ્ટાફને અને સિનિયર ખેલાડીઓને વિચારતા કરી દીધા છે.

2022ના વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને ટ્રોફી અપાવવામાં મેસીની મોટી ભૂમિકા હતી. તે કદાચ હવે છેલ્લી વાર વર્લ્ડ કપમાં રમશે. ડાબા પગની ઈજા તેને આ વિશ્વ કપમાં પણ નડશે કે કેમ એ બાબતમાં પણ તેના કરોડો ચાહકો ચિંતામાં રહેશે.