Mon May 25 2026

Logo

ગુલમર્ગમાં કેબલ કાર ખોટકાઈ: ૩૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા, સેના અને પોલીસે હાથ ધર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન

1 hour ago
Author: Kshitij Nayak
Article Image

ગુલમર્ગઃ જમ્મુ કાશ્મીરના જાણીતા પર્યટક સ્થળ ખાતે આજે કેબલ કારમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં પર્યટકોનો જીવ પડિકે બંધાઈ ગયો હતો. ટેક્નિકલ ખામીને કારણે ઓન એર કેબલ કાર્સને અચાનક રોકી દેવામાં આવી હતી, જેને કારણે 300થી વધુ પર્યટક ફસાયા હોવાના અહેવાલ વચ્ચે પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી.

ગોંડાલા કારને રોકી દેવામાં આવી હોવાથી લગભગ 300થી વધુ પર્યટકો કેબલ કારના ડબ્બામાં ફસાઈ ગયા હતા, પરિણામે ઘટનાસ્થળે અફડાતફડીનું નિર્માણ થયું હતું. પર્યટકો અને તેમના પરિવારમાં ડરનો માહોલ ઊભો થયો હતો. બનાવની જાણ થયા પછી પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં પીડિતોને એક પછી એક કેબલકારમાંથી સહી સલામત ઊતારવામાં આવ્યા હતા.

જમ્મુ પોલીસના જણાવ્યા મુજબ ટેક્નિકલ ખામીને કારણે તાત્કાલિક કેબલ કારને રોકી દેવામાં આવી હતી. બનાવની જાણ થયા પછી તાત્કાલિક સેનાની ટુકડી, જમ્મુ કાશ્મીર પોલીસ અને પાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સંયુક્ત પ્રયાસથી બચાવ કામગીરી હાથ ધરી હતી. બચાવ અભિયાનની દેખરેખ માટે તંગમર્ગના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) અને વહીવટી પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 

ઘટનાસ્થળ પરના હાજર લોકોએ જણાવ્યું કે ગોંડોલામાં અચાનક રોકાઈ જવાને કારણે મહિલાઓ અને બાળકો સહિત અનેક પર્યટકો અધવચ્ચે ફસાઈ ગયા હતા. જેને કારણે અમુક લોકો ગભરાઈ ગયા હતા. જોકે, આ બનાવની જાણ થયા પછી ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ દ્વારા લોકોને ઉપરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. હજુ પણ અમુક લોકોને નીચે ઉતારવાની કામગીરી ચાલુ છે. સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં છે તથા તમામ લોકોને સુરક્ષિત રીતે ઉતારવા માટે જરુરી પગલા ભરવામાં આવશે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.

આ મુદ્દે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગર્વનર મનોજ સિંહાએ કહ્યું હતું કે ગુલમર્ગ ગોંડોલા સર્વિસમાં ટેક્નિકલ ખામી ઊભી થયા પછી રોકી દેવામાં આવી હતી, ત્યાર પછી હું વ્યક્તિગત રીતે તેનું મોનિટરિંગ કરી રહ્યો છું. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગ ગોંડાલા ટૂરિસ્ટ માટે બહુ જાણીતું સ્થળ છે, પરંતુ કેબલ કાર બંધ થયા પછી તાત્કાલિક મદદ માટે જમ્મુ પોલીસ, આર્મી, એસડીઆરએફને રવાના કરવામાં આવી છે. પર્યટકોની સુરક્ષા માટે તમામ પ્રકારની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે, એમ એલજીએ જણાવ્યું હતું.

કહેવાય છે કે ગુલમર્ગમાં એસડીઆરએફ, એનડીઆરએફ અને ગુલમર્ગ ગોંડોલા ક્યુઆરટી ટીમ ઉપસ્થિત રહી હતી, જેમની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુમાં થોડી મુશ્કેલી આવી હતી. થોડા દિવસથી બરફવરસાદ થઈ રહ્યો છે. લોકોને સીડીઓની મદદથી દરેક કેબિન સુધી પહોંચીને નીચે ઉતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.